મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણક નિમિત્તે સેવા યજ્ઞનો પ્રારંભ
પાક્ષિક ઉજવણીના પ્રારંભે જીવદયા અને માનવસેવાના કાર્યો, દાતાઓએ રૂ. ૩.૩૩ લાખનું દાન જાહેર કર્યું
ભુજ-કચ્છઉદય : મહાવીર પ્રભુના ૨૫૫૨મા નિર્વાણ કલ્યાણક નિમિત્તે ભુજની જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા પખવાડિયાની સેવા પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગચ્છાધિપતિ જૈનાચાર્ય પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી છેલ્લા ૧૭ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં કાર્યરત સંસ્થા દ્વારા મુખ્ય દાતા માતુશ્રી કમલાવંતીબેન શશીકાન્તભાઈ ખીમજીભાઈ મોરબીયા પરિવાર (માંડવી-ભુજ) તથા અન્ય દાતાઓના સહયોગથી આ સેવાયજ્ઞનું આયોજન કરાયું છે.
ચાતુર્માસ નિશ્રાદાતા પરમ પૂજ્ય આ.ભ. આનંદવર્ધનસૂરીજી મ.સા. અને પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય આ.ભ. આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા.ના મંગલાચરણ સાથે સેવાકાર્યોનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સંતોએ જણાવ્યું હતું કે અન્યના દુઃખની ચિંતા કરીને તેમના સુખ માટે કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવા એ જ ધર્મનો સાચો પ્રારંભ છે. વિષમ પરિસ્થિતિમાં પણ જીવદયા અને માનવસેવાના કાર્યો નિષ્ઠાપૂર્વક કરવા બદલ તેમણે સંસ્થાના આયોજન અને કાર્યકરોની સરાહના કરી આશીર્વાદ આપ્યા હતા.
પ્રારંભના દિવસે જીવદયાના ભાગરૂપે આશરે એક હજાર ગૌવંશને ૪,૪૦૦ કિલો લીલા ચારાનું નીરણ કરવામાં આવ્યું હતું. બીમાર પશુઓને લાડુ, શ્વાનોને દૂધ, રોટલી અને ખીચડી તથા પક્ષીઓને ચણ આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત શ્રમજીવી પરિવારોને પૌષ્ટિક આહાર અને વસ્ત્રોનું વિતરણ પણ કરાયું હતું.
સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીએ જણાવ્યું હતું કે આ પખવાડિયા દરમિયાન ભુજ, રાપર, માંડવી સહિતના વિસ્તારોમાં દરરોજ માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આશરે પાંચ હજાર દિવ્યાંગો, વડીલો અને શ્રમજીવી પરિવારો સુધી પહોંચીને શુદ્ધ ઘીની મીઠાઈ, નાસ્તો, ફળો અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવશે. દીપોત્સવી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીનો પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરાશે. વિશ્વશાંતિ માટે ૭૨ હજાર નવકાર મહામંત્રના જાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સેવાયજ્ઞના પ્રારંભે દાતાઓએ ઉદાર સહયોગ આપ્યો હતો. મુખ્ય દાતા કમલાવંતીબેન શશીકાન્તભાઈ ખીમજીભાઈ મોરબીયા પરિવાર તરફથી રૂા. ૧.૫૦ લાખ, પૂજ્ય આ.ભ. આત્મદર્શનસૂરીજી મ.સા.ની પ્રેરણાથી રૂા. ૫૦ હજાર, એક સદગૃહસ્થ તરફથી રૂા. ૫૦ હજાર, આરાધનાભવન જૈન સંઘ તરફથી રૂા. ૩૬ હજાર, કૈલાશભાઈ અનામ તરફથી રૂા. ૨૬ હજાર, રસિકલાલ હેમચંદ મહેતા તરફથી રૂા. ૧૧ હજાર અને બળવંતસિંહ જાડેજા તરફથી રૂા. ૧૦ હજાર મળી કુલ રૂા. ૩.૩૩ લાખનું દાન જાહેર થયું હતું. સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને પ્રદીપભાઈ દોશીએ દાતાઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મોભી વી.જી. મહેતાના નેતૃત્વમાં ડૉ. રૂપાલીબેન મોરબીયા, હિરેન આર. દોશી, પ્રદીપભાઈ વી. દોશી, ભાવનાબેન જોશી, મનીષ મહેતા, અરવિંદભાઈ મહેતા, વિજય મહેતા, શાંતિલાલ મોતા, મહેશ મહેતા, ઓજસ શેઠ, કેશવી ઠક્કર સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
-----

Comments