ભુજમાં દિવ્યાંગો માટે હાઈટેક કૃત્રિમ હાથ-પગના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
જર્મન ટેકનોલોજી અને ત્રિપરિમાણીય (થ્રીડી) મુદ્રણથી તૈયાર કૃત્રિમ અંગો દ્વારા દિવ્યાંગોને મળશે સહાય : માધાપર પાસે નવચેતન અંધજન મંડળ સંચાલિત વિકલાંગ વિદ્યાવિહારમાં બે દિવસીય કેમ્પનું આયોજન : વિકલાંગ લોકોને જર્મન ટેકનોલોજી ના કૃત્રિમ હાથ અથવા પગ ગુજરાત સરકાર અને સંસ્થાઓ દ્વારા સહયોગથી વિનામૂલ્યે મેળવવાની સુવર્ણતક
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ભુજોડી રોડ, માધાપર ખાતે આવેલી નવચેતન અંધજન મંડળની સંસ્થામાં તા. ૨૬ અને ૨૭ ઓક્ટોબર દરમિયાન હાઈટેક કૃત્રિમ હાથ-પગ તથા કેલિપર્સ માટેના મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારની એલીમ્કો સંસ્થાના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુદરતી કારણોસર અથવા અકસ્માતમાં હાથ-પગ ગુમાવનાર દિવ્યાંગોની નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરી જરૂરી માપ લેવામાં આવી રહ્યાં છે. જર્મન ટેકનોલોજી આધારિત હાઈટેક કૃત્રિમ અંગો અને ત્રિપરિમાણીય મુદ્રણથી તૈયાર થતાં કૃત્રિમ અંગોની મદદથી લાભાર્થીઓને વધુ સુવિધાજનક સાધનો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
સમાજ સુરક્ષા વિભાગના કચ્છના નાયબ નિયામક દશરથભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે લાભાર્થીઓનો ટેલિફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, તેમજ સામાજિક માધ્યમો અને અખબારો દ્વારા પણ જાણ કરવામાં આવી છે. કેમ્પમાં સૌપ્રથમ નિષ્ણાત તબીબો દ્વારા લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ માપ અને જરૂરિયાતના આધારે રાજ્ય સરકારની પ્રક્રિયા મુજબ કૃત્રિમ હાથ-પગ તથા જરૂરી સાધનો પૂરાં પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમ્પના આયોજનમાં નવચેતન અંધજન મંડળના હિમાંશુભાઈ સોમપુરાએ પણ સહયોગ આપ્યો હતો.
............
"એલીમ્કો" શું છે અને તેની કામગીરી શું છે?
એલીમ્કોનું પુરૂં નામ આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા છે. તે ભારત સરકારની માલિકીનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે, ખાનગી સંસ્થા નથી. તેની સ્થાપના ૩૦ નવેમ્બર, ૧૯૭૨ના રોજ કરવામાં આવી હતી અને તેણે ૧૯૭૬થી કૃત્રિમ અંગો તથા સહાયક સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ સંસ્થા ભારત સરકારના સામાજિક ન્યાય અનેઅધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના વહીવટી નિયંત્રણમાં કાર્યરત છે. તેનું મુખ્ય મથક કાનપુર, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે.
એલીમ્કો દ્વારા કૃત્રિમ હાથ-પગ, કેલિપર્સ, પૈડાંવાળી ખુરશી, ત્રિચક્રી વાહન, ચાલવા માટેનાં સહાયક સાધનો, શ્રવણ સાધનો, દૃષ્ટિબાધિત વ્યક્તિઓ માટેનાં ઉપકરણો સહિત વિવિધ પુનર્વસન સાધનોનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની યોજનાઓ તેમજ રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણ કેમ્પ પણ યોજવામાં આવે છે. પાત્ર લાભાર્થીઓને સરકારી યોજનાઓ હેઠળ નિઃશુલ્ક સાધનો પૂરાં પાડવામાં પણ આ સંસ્થા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
...........
દિવ્યાંગ લાભાર્થીઓમાં નવી આશા...
કેમ્પમાં આવેલા નિહાલચંદ ધર્મદાસે જણાવ્યું હતું કે તેઓ કૃત્રિમ પગ મેળવવા માટે અહીં આવ્યા છે. સંસ્થામાં તેમના પગનાં માપ સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આગામી મહિના સુધીમાં કૃત્રિમ પગ તૈયાર કરીને આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. તેમણે કેમ્પની વ્યવસ્થા અને સમાજ સુરક્ષા તંત્ર, નવચેતન અંધજન મંડળ તથા રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરીને આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, પલ્લવીબેન અબડા પોતાના સસરાને લઈને કેમ્પમાં પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમના સસરાના બંને પગ નથી અને કૃત્રિમ પગની મદદથી તેઓ ફરીથી ચાલી શકે તેવી આશા સાથે તેમને અહીં લાવવામાં આવ્યા છે. આવા કેમ્પ દિવ્યાંગ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમને દૈનિક જીવનમાં વધુ સ્વાવલંબી બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે
.....

Comments