Trending News
સ્થાનિક સમાચાર

રાજસ્થાનના કાલુ સાથે યુવરાજ ના તાર?૮ બુટલેગરોનું મોટું નેટવર્ક સક્રિય

24 October


મુખ્ય સુત્રધાર યુવરાજની સાથે અન્ય એક યુવરાજ, સુરેન્દ્ર, સંજય, રોહિત, દિવ્યરાજ, પારસ, અને નિલેશ સહિતનાઓ સંકળાયેલા હોવાની છે ચર્ચા

ખાટલે મોટી ખોટ : યુવરાજની સાથેે ખાખીના કયા ભ્રષ્ટ વહીવટદારોની ભાગબટાઈ? યુવરાજનો માલ એલસીબીની ટીમને દોડીને પકડવા જવો પડે છે તો માંડવી પોલીસ શું કરી રહી છે? શું માંડવી પોલીસમાં ડી-સ્ટાફ નથી? આ ડી સ્ટાફને કેમ યુવરાજ જેવાઓના લાખોના દારૂની બાતમીઓ નથી મળતી?


દારૂ પકડાય છે પણ સપ્લાયર્સ સુધી પહોંચવામાં પોલીસ કેમ વામણી સાબિત થાય છે?



ગાંધીધામ : સ્થાનિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલા બુટલેગર યુવરાજના તાર છેક રાજસ્થાનના કુખ્યાત સપ્લાયર કાલુ સાથે જોડાયેલા છે. રાજસ્થાનનો કાલુ મુખ્ય સપ્લાયર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હોવાની પ્રબળ ચર્ચા છે. યુવરાજ અને કાલુ ઉપરાંત આ કાળા કારોબારમાં કુલ આઠ જેટલા નાના-મોટા બુટલેગરોની સંગઠિત ટોળકી સક્રિય છે. આ ટોળકી દ્વારા માંડવી, મુંદરા, ભુજ તથા નખત્રાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારો સુધી વિદેશી દારૂનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું અને વાડીઓ તથા ગોડાઉનોમાંથી જ આખા પટ્ટામાં દારૂનો સપ્લાય કરવામાં આવતો હતો.

......................

પોલીસ અગાઉની જેમ દારૂ સપ્લાયર-ફેક્ટરી સુધી હવે કેમ નથી પહોંચતી?


માત્ર વાહન અને બુટલેગર પકડવામાં કે ફરાર બતાવવામાં જ પોલીસની તપાસ કેમ સીમિત થઈ જાય છે? ઼ જડમૂળથી નેટવર્ક ઉલેખી નાખવાની જૂની પોલીસ પદ્ધતિ પર ક્યાં ગ્રહણ લાગ્યું?

ગાંધીધામ  : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કાગળ પરના દાવાઓ વચ્ચે દારૂના નેટવર્કને લઈને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે પણ અન્ય રાજ્યોમાંથી દારૂ ઘૂસાડવામાં આવતો, ત્યારે પોલીસ તંત્ર જીણવટપૂર્વક ઊંડાણપૂર્વકની તપસ કરતી હતી. તે સમયે દારૂ કયા રાજ્યમાંથી સપ્લાય થયો છે, કઈ ફેક્ટરીમાંથી બનાવવામાં આવ્યો છે અને તેના અસલ માલિકો કે સપ્લાયર્સ કયા છે તે તમામ વિગતો સુધી પોલીસ પહોંચતી હતી અને આખા નેટવર્કના મૂળિયાં ઉલેખીને બતાવતી હતી. પરંતુ, વર્તમાન સમયની સ્થિતિ જોઈએ તો ચિત્ર તદન વિપરીત જોવા મળી રહ્યું છે. હાલના મોટાભાગના કેસોમાં માત્ર નામ પૂરતો દારૂ પકડાઈ જાય છે અથવા તો મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો હોવાનું દર્શાવી દેવામાં આવે છે. દારૂ મંગાવનાર બુટલેગર હાથ ન લાગે ત્યાં સુધી તો ઠીક, પરંતુ ત્યારબાદ આ માલ અસલમાં કયાંથી આવ્યો હતો? કયા સપ્લાયરનો હતો? અને અન્ય કયા રાજ્યોની ફેક્ટરીમાંથી આ કાળો કારોબાર ચાલી રહ્યો છે? તે અંગેની સમ ખાવા પૂરતી પણ કોઈ માહિતી કે તપાસ બહાર આવતી નથી!આ પ્રકારની ગોણ અને સપાટી પરની તપાસ પાછળનું અસલી રહસ્ય શું છે? શું પોલીસ દારૂના મોટા સપ્લાયર્સ અને ફેક્ટરીઓ સુધી પહોંચવામાં જાણી જોઈને વામણી સાબિત થઈ રહી છે કે પછી આ મામલે પણ કોઈ ખાનગી ગોઠવણો રમાઈ રહી છે? પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે કે જો માત્ર નાના મહોરાઓને પકડીને કે બુટલેગરોને ફરાર બતાવીને સંતોષ માનવામાં આવશે, તો કચ્છમાં દારૂનું દૂષણ ક્યારેય નાબૂદ નહીં થાય. પોલીસ તંત્રએ ફરી એકવાર પોતાની જૂની અને ડાકુ-માફિયાઓ અને સપ્લાયર્સના મૂળ સુધી પહોંચવાની કડક પદ્ધતિ અપનાવવી અનિવાર્ય બન્યું છે.


.........................


- તો છેવાડાના પટ્ટા સુધી દારૂનો મોટો જથ્થો પહોચે જ નહી..!

ગાંધીધામ : પશ્ચિમ કચ્છ એસપીની સૂચનાથી એલસીબી ટીમે તો છેવાડાના ગામડામાં દરોડો પાડીને સપાટો બોલાવી દીધો છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે દારૂનો જથ્થો કચ્છમાં ઘૂસે છે ત્યારે જ તેને પ્રવેશદ્વારે (બોર્ડર પર) રોકવાની તસ્દી કેમ લેવામાં આવતી નથી? જો કચ્છની સરહદો પર જ કડક ચેકિંગ રાખવામાં આવે તો છેવાડાના પટ્ટા સુધી દારૂના આવા મોટા જથ્થા પહોંચે જ નહીં. હાલ તો એલસીબીની આ કાર્યવાહી બાદ યુવરાજ-કાલુ સિન્ડિકેટના અન્ય સાગરીતોમાં ફાફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ દ્વારા આ આખા નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા તપાસ તેજ કરવામાં આવી છે.

...................

કચ્છના પ્રવેશદ્વારે જ કેમ નથી અટકતો દારૂ?

ગાંધીધામ : આ સમગ્ર કૌભાંડમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી રહી છે કે, દારૂનો આટલો મોટો જથ્થો રાજસ્થાનથી રવાના થઈ બનાસકાંઠા અને પૂર્વ કચ્છની સરહદો પાર કરીને, મુંદરા વાટે છેક ત્રગડીની વાડી સુધી પહોંચી ગયો. પૂર્વ કચ્છમાંથી દારૂ ભરેલા મોટા વાહનો બિન્દાસ્ત પસાર થઈ જાય છતાં ત્યાંની સ્થાનિક પોલીસ કે ચેકપોસ્ટ પર કોઈને પણ આ વાહનોની ગંધ કેમ નથી આવતી? તે એક મોટો શંકાસ્પદ પ્રશ્ન છે.


....................

દારૂના કાળા કારોબાર સામે તંત્રની ઢીલી નીતિ સામે સવાલોના તીર


યુવરાજ પર ૪૨ કેસો છે, તેની સંપત્તિ કેમ ન લેવાય ટાંચમાં?

દારૂના સામ્રાજ્યથી માંડવી-સુરેન્દ્રનગર-ત્રગડી પટ્ટામાં કરોડોના જમીન-મકાન અને પ્લોટ ખરીદી લીધાની લોકચર્ચા


યુવરાજના ભ્રષ્ટ તત્વો સાથેના વ્યવહારો અને પ્રોપર્ટીની દેખરેખ કોણ રાખે છે? ઼ ત્રગડી પટ્ટામાં તાજેતરમાં જ અઢી કરોડની જમીન ખરીદ્યાની ચર્ચા, હજુ દસ્તાવેજ પણ નથી થયા? ઼ બુટલેગરો શિરજોર બની તંત્રને ન ગણકારે તેવો ઘાટ!



ગાંધીધામ : કચ્છ પંથકમાં દારૂનું ગેરકાયદે સામ્રાજ્ય ફેલાવીને બેરોકટોક કાળી કમાણી કરનારા કુખ્યાત શખ્સ પૈકીના એક યુવરાજની સામે તાજેતરમા જ પશ્ચીમ કચ્છ પોલીસે લાલ આંખ કર છે . પરતુ અહી સવાલ એ થાય છે કે,  જે કુખ્યાત યુવરાજ સામે અગાઉથી જ ૪૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, તેવા માથાભારે બુટલેગરની ક કરોડોની સંપત્તિઓ સામે તંત્ર દ્વારા અત્યાર સુધી ટાંચમાં કેમ લેવામાં નથી આવી? તે એક મોટો રહસ્યમય પ્રશ્ન બન્યો છે. સ્થાનિક સ્તરે ઉઠતી ચર્ચાઓ મુજબ, દારૂના આ કાળા કારોબારના સામ્રાજ્યના જોરે આ શખ્સે માંડવી, સુરેન્દ્રનગર તેમજ ત્રગડી પટ્ટામાં કરોડો રૂપિયાની કિંમતના જમીન, મકાન અને પ્લોટ ખરીદી લીધા છે. સવાલ એ પણ છે કે યુવરાજના આ ભ્રષ્ટ તત્વો સાથેના વ્યવહારો અને તેની બેનામી પ્રોપર્ટીની તમામ દેખરેખ આખરે કોણ રાખી રહ્યું છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રગડી પટ્ટામાં તાજેતરમાં જ અઢી કરોડ રૂપિયાની કિંમતની જમીન આ શખ્સે ખરીદી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, અને નવાઈની વાત તો એ છે કે હજુ આ જમીનના સત્તાવાર દસ્તાવેજો પણ થયા નથી! દારૂ જેવા ગેરકાયદે અને બેનામી ધંધાઓનું વિકરાળ સામ્રાજ્ય ફેલાવીને જો આવા માથાભારે અને શિરજોર બુટલેગરો ખુલ્લેઆમ ફરતા રહેશે અને તંત્રને સરવાળે સમુસૂતરું પણ નહીં ગણકારે, તો આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે તે વધુ ઘાતક સાબિત થશે. સમય આવી ગયો છે કે પોલીસ અને વહીવટી તંત્ર આવા તત્વોની કમર તોડવા માટે તેમની કરોડોની બેનામી મિલકતો ટાંચમાં લેવા સુધીની કડક કાર્યવાહી કરે.

Comments

COMMENT / REPLY FROM