નાગરિકોની સુખાકારી અને લોકલક્ષી વિકાસ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા : ત્રિકમભાઇ છાંગા
કોટડા (ચકાર) ખાતે રૂ. ૩૫૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર પુલનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત : સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ભુજ - કચ્છઉદય : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કોટડા (ઉગમણા) થી કોટડા (આથમણા) ચકારને જોડતા રૂ. ૩૫૫ લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ, આગેવાન દેવજીભાઈ વરચંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લોકોની લાગણી તથા ભાવનાઓ સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ પુલના ખાતમુહૂર્ત કાર્યક્રમ નિમિત્તે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સુશાસન તથા લોકકલ્યાણના માર્ગ પર ચાલીને જનતાના અટકેલા કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યા છે. જૂનો પુલ બંધ થવાને કારણે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તેનો ઉકેલ લાવીને રૂા. ૩૫૫ લાખના ખર્ચે આ નવા પુલના ખાતમુહૂર્તનું કાર્ય સંપન્ન થયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકો અને ખેડૂતોના આવન-જાવનનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઇ જશે. જે લોકશાહીમાં જનતાના સહકાર અને પ્રશાસનિક દ્રઢતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે આ પ્રસંગે માળખાગત સુવિધાઓના નિર્માણ સાથે સુશાસનના કારણે શિક્ષણ, આરોગ્ય અને ખેતીથી લઇને દરેક ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોની છણાવટ કરીને લોકલક્ષી વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક નાગરિકો માટે અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ એવા આ બ્રિજના નિર્માણ કાર્ય માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૩૫૫ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પુલ નિર્માણનું આ કાર્ય ગ્રામીણ જનજીવન અને અવરજવર માટે રાહતરૂપ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને તેમના ૨૫ વર્ષના સેવા સંકલ્પને બિરદાવતાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રકૃતિની વિવિધ આપત્તિઓનો સામનો કરનાર કચ્છવાસીઓ પોતાની સાહસિકતા અને મક્કમતાના બળે આજે વિકાસની હરોળમાં મજબૂતાઈથી ઊભા છે. તેમણે આ પ્રસંગે ગ્રામજનોને ગામના સામૂહિક વિકાસમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, કોટડા (આથમણા)ના સરપંચ નર્મદાબેન માકાણી, કોટડા (ઉગમણા)ના સરપંચ મોહનભાઇ ગરવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વાઘજીભાઇ છાંગા, જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઇ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય ધારાબેન માકાણી, આગેવાન દેવજીભાઇ વરચંદ, વિકાસભાઇ રાજગોર અને મનસુખભાઇ માકાણી સહિત સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, આસપાસના ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments