Trending News
સ્થાનિક સમાચાર

હાઇવે પર ધમધમતા ગેરકાયદે ડીઝલ - બાયો ડીઝલના અડ્ડાઓ : જવાબદાર તંત્રવાહકોની રહેમનજર

21 October

કચ્છમાં ‘કાળા સોના’નો બેરોકટોક કારોબાર



ખાવડા અને મુન્દ્રા તાલુકામાં બેઝઓઈલ અને હાઈ-ડોના નામે ચાલી રહ્યા છે ધંધા.... : પુરવઠા, પોલીસ, મામલતદાર અને પ્રાંત સહિત અંકુશ કરાવશે... : નાની - નાની મચ્છલીઓ પકડાય છે મોટા ઈમ્પોર્ટ કરતા સહિત વેપારીઓ પકડથી દુર....


ભુજ - કચ્છઉદય : વિશ્વના સૌથી મોટા રિન્યુઅલ એનર્જી (ગ્રીન એનર્જી) પાર્કના નિર્માણથી કચ્છનું આંતરરાષ્ટ્રીય નકશા પર નામ ચમકી રહ્યું છે, પરંતુ બીજી બાજુ આ જ ખાવડા પંથક અને સરહદી હાઇવે પર કાયદો અને વ્યવસ્થાને કાળું જોણું લગાડતો એક એવો ખેલ બેરોકટોક ચાલી રહ્યો છે જેની સામે ખાખી અને ખાદીધારીઓની મિલીભગત સ્પષ્ટ દેખાઈ રહી છે. સરહદી વિસ્તારની સંવેદનશીલતાને નેવે મૂકીને હાઇવેની કિનારીઓ પર ગેરકાયદે ડીઝલ અને બાયોડીઝલના ધમધમતા અડ્ડાઓથી આખો પંથક હાઇ વોલ્ટેજ ગેસ ચેમ્બર બન્યો છે, છતાં સત્તાવાર તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢ્યું છે.ખાવડા વિસ્તારમાં જ્યાં એક તરફ હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્કના નિર્માણ અર્થે હજારોની સંખ્યામાં ભારે વાહનો, ડમ્પરો, ટ્રેઇલરો અને ક્રેનો દિવસ-રાત દોડી રહ્યા છે, આ ભારે વાહનોની અનંત માંગ અને તેમની બળતણની જરૂરિયાત જ ભ્રષ્ટ તત્વો માટે સોનાનું ઈંડું આપતી મરઘી સાબિત થઈ છે. સત્તાવાર પેટ્રોલ પંપોથી દૂર આવેલા આ અંતરિયાળ પંથકમાં મિલિભગતથી ચાલતા કેમિકલ અને બાયોડીઝલના આ કટિંગ સેન્ટરો પરખુલ્લેઆમ ટેન્કરો ખાલી થાય છે. દિવસના અજવાળામાં સામાન્ય દુકાન કે ઢાબા જેવા લાગતા આ અડ્ડાઓ સૂર્યાસ્ત થતા જ હાઇટેક ફ્યુઅલ સ્ટેશનમાં ફેરવાઈ જાય છે. સવાલ એ થાય છે કે સુરક્ષા એજન્સીઓની આડી નજરો વચ્ચે આટલો મોટો જ્વલનશીલ જથ્થો આવે છે ક્યાંથી? 
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂરવઠા વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા ક્યારેક કોઈક નાનો-સૂનો દરોડો પાડીને બેરલ કે ડ્રમ જપ્ત કરી લેવાની સસ્તી નાટકબાજી કરવામાં આવે છે, જેથી ઉપલા અધિકારીઓ કે મીડિયાની આંખમાં ધૂળ નાખી શકાય. પરંતુ હકીકત એ છે કે આ નાની કાર્યવાહી માત્ર ’હપ્તા સેટિંગ’ કે કાગળ પરની કાર્યવાહી પૂરતી સીમિત રહે છે. જેવો નાનો દરોડો પૂરો થાય કે બીજા જ દિવસે એ જ જગ્યાએ ફરીથી કાળા સોનાનો વેપાર પહેલા કરતા પણ વધુ જોશથી શરૂ થઈ જાય છે. સવાલ એ ઉભો થાય છે કે શું સ્થાનિક પોલીસ કે પુરવઠા અધિકારીઓને હાઇવેની આ કાળી બાજુ દેખાતી નથી કે પછી તેમની આંખ પર મોટા વહીવટની પટ્ટી બંધાઈ ગઈ છે?આ ગેરકાયદે ધંધાથી માત્ર સરકારી તિજોરીને કરોડો રૂપિયાના ટેક્સની ચોરી થાય છે તે તો ઠીક, પરંતુ ખુલ્લામાં પંપો થકી અને કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર વેચાતું આ હલકી ગુણવત્તાવાળું બાયોડીઝલ અથવા કેમિકલ મિશ્રિત ઇંધણ ભારે વાહનોના એન્જિનને તો બગાડે જ છે, સાથે સાથે સમગ્ર વિસ્તારમાં ગમે ત્યારે ગંભીર હોનારત નોતરે તેવી તલવાર પણ લટકી રહી છે. સરહદી પંથકની સુરક્ષા સાથે સીધો ચેડાં સમાન આ કારોબાર સામે જો કડક પગલાં નહીં ભરાય તો આવનારા દિવસોમાં કચ્છની ધરા પર કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

.....................

તંત્રની નબળી પકડ અને મૌન સંમતિ

ખાવડા અને પશ્ચિમ કચ્છના માર્ગો પર ચાલતા આ ગોરખધંધા પાછળ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી જવાબદાર છે. ક્યારેક કોઈ પ્યાદુ પકડાઈ જાય છે, પરંતુ આ સમગ્ર સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાની હિંમત કે ઈચ્છાશક્તિ પોલીસ કે તંત્ર દાખવતું નથી, જેની પાછળનું રહસ્ય જગજાહેર છે.

.................................

સુરક્ષા અને સલામતી સામે મોટો ખતરો

આંતરરાષ્ટ્રીય સરહદને જોડતા આ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું આ પ્રકારે ફૂલવું-ફાલવું દેશની સુરક્ષા એજન્સીઓ માટે પણ ચિંતાનો વિષય બનવો જોઈએ. કારણ કે આવા અનધિકૃત અડ્ડાઓ પર કયા પ્રકારની અવરજવર થાય છે અને ક્યા તત્વો આના આડમાં પનાહ મેળવે છે તેની કોઈ ચોક્કસ તપાસ થતી નથી.



 

Comments

COMMENT / REPLY FROM