Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઘોરાડ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી જન્મેલા બચ્ચાની નર તરીકે ઓળખની પુષ્ટિ

21 October



ભુુજ - કચ્છઉદય : કચ્છ પશ્ચિમ વન વિભાગ માટે અત્યંત ગૌરવ અને આનંદની બાબત છે કે વિશ્વની અતિસંકટગ્રસ્ત પક્ષી પ્રજાતિ "ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)"ના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયાસોમાં વધુ એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. જમ્પ સ્ટાર્ટ ટેકનિક દ્વારા તા. ૨૧ મે, ૨૦૨૬ના રોજ નલિયા વિસ્તારના ગ્રાસલેન્ડમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના બીજા બચ્ચાનો સફળતાપૂર્વક જન્મ થયો હતો. આ બચ્ચું સૌપ્રથમ વખત તા. ૨૪ મે, ૨૦૨૬ના રોજ કુદરતી આવાસમાં જોવા મળ્યું હતું. આજે આ બચ્ચું ૧૫૦ દિવસથી વધુ સમયથી કુદરતી વાતાવરણમાં સફળતાપૂર્વક જીવિત રડી સ્વતંત્રપણે વિચરણ કરી રહ્યું છે, જે ઘોરાડ સંરક્ષણના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન તથા બચ્ચાની દેખીતી શારીરિક લાક્ષણિકતાઓના આધારે તેની ઓળખ નર તરીકે કરવામાં આવી છે. તેના માથાના ઉપરના ભાગમાં રાખોડી પીંછાંનો અભાવ અને ઘેરો કાળો રંગ, પ્રમાણમાં જાડી ગરદન તથા પગની શારીરિક રચના જેવી લાક્ષણિકતાઓ તેના નર હોવાની ઓળખમાં સહાયક બની છે.
-------

નર ઘોરાડનું પર્યાવરણીય મહત્ત્વ

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણમાં નર બચ્ચાનું સફળતાપૂર્વક કુદરતી આવાસમાં વિકસવું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પ્રજાતિની વસતિ અત્યંત ઓછી હોવાથી દરેક સફળતાપૂર્વક વિકસતું બચ્ચું ભવિષ્યમાં પ્રજાતિની વસતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં મૂલ્યવાન યોગદાન આપી શકે છે. ઘોરાડ મુખ્યત્વે ખુલ્લા ઘાસના મેદાનોમાં વસવાટ કરતું પક્ષી છે. તેના આહારનો ભાગ બનતા તીડ, ભમરા, અન્ય કીટકો તથા નાના જીવોની સંખ્યા પર તે પ્રાકૃતિક નિયંત્રણમાં ફાળો આપે છે. તે બીજ અને વિવિધ વનસ્પતિજન્ય ખોરાકનો પણ ઉપયોગ કરે છે. આ રીતે ઘોરાડ ઘાસમેદાનની ખાદ્યશૃંખલા અને પર્યાવરણીય સંતુલનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ઘોરાડ જેવી વિશિષ્ટ ઘાસમેદાની પ્રજાતિનું સંરક્ષણ તેના આવાસ અને તેની સાથે જોડાયેલી અન્ય વન્યજીવ પ્રજાતિઓના સંરક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. 
-------

Comments

COMMENT / REPLY FROM