Trending News
સ્થાનિક સમાચાર

ભુજની પાલારા ખાસ જેલમાં ‘સુરમય ગીત સંગીત ગ્રુપ’ દ્વારા તણાવમુક્તિ, વ્યસનમુક્તિ અને કરાઓકે સંગીતની રમઝટનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન

05 October



ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મજયંતી સપ્તાહ ઉજવણી ૨૦૨૬ અંતર્ગત ભુજની પાલારા ખાસ જેલ ખાતે બંદીવાન ભાઈઓના માનસિક સ્વાસ્થ્ય, ઉત્થાન અને પુનઃવસન અર્થે એક ભવ્ય અને અભૂતોપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ડિનેટર અને આયોજક એમ.આઈ. બાયડના વ્યક્તિગત પ્રયાસો અને "સુરમય ગીત સંગીત ગ્રુપ, ભુજ" ના સંયુક્ત ઉપક્રમે જેલ પરિસરમાં "તણાવમુક્તિ, વ્યસનમુક્તિ વક્તવ્ય તેમજ જુના જાણીતા કરાઓકે દેશપ્રેમના ગીતોની રમઝટ" યોજાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન કેદીઓને સંબોધતા આયોજક અને કોર્ડિનેટર એમ.આઈ. બાયડે જણાવ્યું હતું કે, કેદીઓને તણાવમુક્ત કરવા તેમજ તેમનામાં હૃદય પરિવર્તન લાવવા માટે જો સુંદર સંગીત અને પ્રેરણારૂપ સંદેશ આપતા જૂના ગીતો રજૂ કરવામાં આવે, તો કેદીઓમાં સકારાત્મક હૃદય પરિવર્તન થવાની સંભાવના ખૂબ વધી જાય છે. કુદરતે આપેલી આ જીંદગી માત્ર કાપવા માટે નથી, પરંતુ સાચી રીતે જીવવા તેમજ માણવા લાયક છે. વધુમાં, તેમણે ભવિષ્યમાં પણ આવા ઉમદા અને સરાહનીય પ્રવૃત્તિઓ સુંદર સંકલન સાથે જેલ ખાતે થતી રહેશે તેવી પાલારા ખાસ જેલના અધિક્ષક બી.બી. પરમારને હૃદયપૂર્વક ખાતરી આપી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત નશાબંધી અને આબકારી વિભાગ (ભુજ)ના પીઆઈ શૈલેષ પી. મારૂએ પણ કેદી ભાઈઓને માર્મિક ભાષામાં સંબોધતા કહ્યું હતું કે, સમાજમાં બનતી મોટાભાગની ગુનાખોરી પાછળનું એક મુખ્ય અને જવાબદાર કારણ નશાખોરી હોય છે. મનુષ્ય જીવન એ ‘ગોડ ગિફ્ટ’ છે, જેને જેલની દીવાલો પાછળ વેડફવાને બદલે આપણે સૌ વ્યસનમુક્ત બનીએ અને સન્માનપૂર્વક જીવતા શીખીએ.
વ્યસનમુક્તિના પ્રેરક વક્તવ્ય સાથે જ કેદીઓનો માનસિક તણાવ હળવો કરવા માટે ‘સુરમય ગીત સંગીત ગ્રુપ’ ના જાણીતા સ્થાનિક કલાકારો ચેતનભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ જોષી તેમજ કલાકાર બહેનોશ્રીઓ ભાવનાબેન ઠક્કર, આશાબેન ભાટિયા દ્વારા જૂના સદાબહાર ગીતો અને દેશભક્તિના કરાઓકે સંગીતની અદ્દભૂત રમઝટ બોલાવવામાં આવી હતી. જેલના શિસ્તબદ્ધ વાતાવરણમાં કેદી ભાઈઓ પણ સંગીતના તાલે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા.
આ ભગીરથ અને સંવેદનશીલ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલારા જેલના અધિક્ષક બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ જેલ પ્રશાસનનો પ્રશંસનીય માનવીય અભિગમ રહ્યો હતો. ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેલ પરિસરમાં સતત સક્રિય રહીને પોતાની સેવાઓ આપનાર જેલર બી. કે. જાખલ, જેલર એમ. એમ. ચરપોટ, જેલર એન. આર. ચૌધરી, જનરલ સુબેદાર એસ. એમ. બારીઆ, સુબેદાર રમેશભાઈ કે. વાઝા તેમજ સિપાઈ રાજેશભાઈ એલ. સિજુનો આયોજક સમિતિ અને કલાકારો દ્વારા હૃદયપૂર્વક ખાસ આભાર માનવામાં આવ્યો હતો.
--------

Comments

COMMENT / REPLY FROM