Trending News
ક્રાઈમ

અંજાર પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો, અકસ્માત બાદ ૫૫ બોટલ સાથે કાર મળી આવી

05 October



સતાપર ફાટક પાસે પોલીસને જોઈ કારચાલકે પૂરઝડપે હંકારી મૂકી; લાખાપર નજીક શ્રીકૃષ્ણ ગૌશાળા પાસે અકસ્માત બાદ કારમાંથી રૂ.૩૧,૦૭૫નો વિદેશી દારૂ ઝડપાયો


અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી સફેદ રંગની મારૂતિ સુઝુકી ફ્રોન્ક્‌સ કારનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસની વોચની જાણ થતાં કારચાલકે કાર પૂરઝડપે હંકારી સતાપર ગામ તરફ લઈ જતાં પોલીસથી અંતર વધી ગયું હતું. દરમિયાન લાખાપર નજીક શ્રીકૃષ્ણ ગૌશાળા સામે આંબાપર તરફ જતા રોડ પરઆ ફ્રોન્ક્‌સ કારનો અકસ્માત થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મળતી વિગતો મુજબ, તા. ૪ ઓક્ટોબર ૨૦૨૬ની રાત્રે આશરે ૧૦ઃ૩૭ વાગ્યે અંજાર પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે સફેદ રંગની ફ્રોન્ક્‌સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ કરસનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ સવદાસભાઈ સતાપર ફાટક પાસે વોચમાં ગોઠવાયા હતા. આ દરમિયાન આશરે રાત્રે ૧૦ઃ૫૦ વાગ્યે બાતમીવાળી સફેદ  કાર APMC તરફથી સતાપર ફાટક પાસે આવી હતી. સતાપર ફાટક બંધ હોવાથી કારચાલકે કાર સતાપર ગામ તરફ પૂરઝડપે હંકારી હતી. પોલીસે પોતાના વાહનથી તેનો પીછો કર્યો હતો, પરંતુ કારચાલક ઝડપથી આગળ નીકળી જતાં પોલીસથી કાર દૂર થઈ ગઈ હતી. ત્યારબાદ ગોવર્ધન ઓવરબ્રિજ નજીક કાર નજરે ન પડતાં પોલીસ કર્મચારીઓ સતાપર ગામ તરફ આગળ વધી રહ્યા હતા. દરમિયાન લાખાપર ગામના એક વ્યક્તિનો ફોન આવતા શ્રીકૃષ્ણ ગૌશાળા પાસે ફોરવ્હીલ વાહનનો અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે નાળાની નીચે સફેદ રંગની ફ્રોન્ક્‌સ કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. અકસ્મામાં કારમાંથી બહાર કાઢવામાં આવેલ અજાણ્યો ચાલક બેભાન હાલતમાં હતો. પોલીસ દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી તેને અંજાર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં અંજાર પોલીસ સ્ટેશનના PI એચ.એ. જાડેજા પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંચોની હાજરીમાં અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતાં કારની અંદર અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અકસ્માતને કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ડેમેજ થયો હતો અને આગળની નંબર પ્લેટ અલગ પડી ગયેલી મળી આવી હતી. સ્થળ પરથી GJ-01-WV-6972 લખેલી નંબર પ્લેટ તેમજ ‘પોલીસ’ લખેલી લાલ રંગની પ્લેટ પણ મળી આવી હતી. કારમાંથી તૂટેલી હાલતમાં એક VIVo કંપનીનો મોબાઇલ પણ મળી આવ્યો હતો. કારને ક્રેન મારફતે પોલીસ પ્રોટેક્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ દારૂની બોટલોની ગણતરી કરતાં કુલ ૫૫ બોટલ મળી આવી હતી. જેમાં ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કીની ૭૫૦ મિ.લી.ની ૩૨ બોટલ, કિંમત રૂ.૧૮,૦૮૦, તેમજ ૮ PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની ૭૫૦ મિ.લી.ની ૨૩ બોટલ, કિંમત રૂ.૧૨,૯૯૫ મળી આવી હતી. આમ કુલ રૂ.૩૧,૦૭૫ કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત ફ્રોન્ક્‌સ કારની કિંમત રૂ.૫ લાખ, મોબાઇલની કિંમત રૂ.૧,૦૦૦ તથા અન્ય નંબર પ્લેટ સહિત કુલ રૂ.૫,૩૨,૦૭૫નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. પોલીસે દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલોમાંથી સેમ્પલ બોટલો કાઢી પંચો તથા પોલીસની સહીવાળી કાપલી લગાવી સીલ કરી તપાસ માટે કબજે લીધી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(A)(E), ૧૧૬(B) અને ૯૮(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત બાદ સારવાર માટે મોકલાયેલા કારચાલકની ઓળખ અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

.........


દુધઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યોઃ  કાર ડિવાઈડર સાથે અથડાતા અજાણ્યા પુરુષનું મોત

અંજાર : દુધઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાખાપર-ચાંદ્રાણી હાઇવે રોડ પર ડી કંપની સામે ગમખ્વાર અકસ્માતમાં એક અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ, અજાણ્યો પુરુષ GJ-01-WV-6972 નંબરની ફ્રોન્ક્‌સ કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.અકસ્મતમાં કારચાલકને ડાબા પગ, પીઠ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં દુધઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે દુધઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવની તપાસ PSI પી.પી. જાડેજા કરી રહ્યા હોવાનું દુધઈ પોલીસ સ્ટેશનના PSO દ્વારા જણાવવામાં આવ્યું છે. મૃતક પુરુષની ઓળખ તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા 
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

........

અંજાર પીઆઈ શ્રી જાડેજાની ટીમની બુટલેગર લોબી સામે લાલઆંખ : દારૂની બદી કોઈ પણ કાળે નહી ચાલે..!

અસામાજિક બદી વકરાવી રહેલાઓનો પોલીસ પીછો નહીં કરે તો કોનો કરશે? તપાસમાં વાહન ન રોકીને ભાગનાર શખ્સ બ્રિજમાં અથડાયોઃ કાયદાકીય ફરજ બજાવતી પોલીસ પર શંકા અયોગ્ય હોવાનો જાણકારોનો સૂચક ઈશારો



અંજારઃ અંજાર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જાડેજા અને તેમની ટીમે પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ અને બુટલેગરો સામે લાલઆંખ કરી કડક ઝુંબેશ શરૂ કરી દીધી છે. વિસ્તારમાં દારૂની બદી કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ નીતિ સાથે પોલીસે કાયદાનો દોર મજબૂત કર્યો છે. તાજેતરમાં બનેલી એક ઘટના અંગે વહેતા થયેલા તર્ક-વિતર્કો વચ્ચે કાયદાના જાણકારો અને સ્થાનિકો તરફથી સચોટ ચર્ચા સામે આવી છે. જાણકારોનું માનવું છે કે, જ્યારે પોલીસ કોઈ શંકાસ્પદ વાહનને તપાસ અર્થે રોકવાનો ઈશારો કરે, ત્યારે વાહનચાલક ગાડી ઊભી રાખવાને બદલે 
પૂરઝડપે ભાગવાનો પ્રયાસ કરે તો પોલીસનો શંકા પળવારમાં દ્રઢ થઈ જાય છે. વાહનમાંથી દારૂની 
પેટીઓ મળી આવી હોઈ, ગેરકાયદે હેરફેર કરનાર શખ્સ ભાગે ત્યારે તેનો પીછો કરવો એ પોલીસની નૈતિક અને કાયદાકીય પ્રાથમિક ફરજ બની રહે છે.ઘટનાની વાસ્તવિકતા પર નજર કરીએ તો, ફરાર થઈ રહેલો શખ્સ પોલીસથી બચવા જતાં પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી બેસતાં બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. પોલીસે કોઈ વાહન સાથે ગાડી ભટકાવી નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાગતા શંકાસ્પદનો પીછો કર્યો હતો. આ સ્થિતિમાં પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતી પોલીસ કામગીરી પર  સવાલો ઊભા કરવા વ્યાજબી નથી.


...........


બુટલેગર દારૂ લાવ્યો ક્યાંથી? શ્રી જાડેજા મૂળિયાં ઉખેડીને જ રહેશેઃ પુનીયા સુધી રેલો લંબાવાની વકી?


અંજારમાં દારૂના નેટવર્ક પર પોલીસનો સકંજોઃ મુખ્ય સપ્લાયરો અને પડદા પાછળના આકાઓ સામે કડક કાર્યવાહીના એંધાણ : માલ દુધઈ પટ્ટામાથી ભરાયો હોવાની ચકચાર : દુધઈ પટ્ટામાં થોડા સમય પહેલા જ એસએમસી ત્રાટકી અને જે પુનાના માલને પકડયો હતો તે ફરીથી આ જ વિસ્તારમાં અન્ડર કટીગ કરી દારૂ સપ્લાય નાની ગાડીઓમાં કરતો હોવાની છે ચર્ચા


અંજારઃ અંજાર પોલીસે પ્રોહિબિશનના કેસમાં પકડેલા વિદેશી દારૂના જથ્થા બાદ હવે આ સમગ્ર ગેરકાયદે કારોબારના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. અંજાર પીઆઈ જાડેજા સાહેબે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે માત્ર માલ પહોંચાડનારા વાહનચાલકો કે બુટલેગરો જ નહીં, પરંતુ આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તેના મૂળિયાં ઉખેડીને જ જંપાશે.
પોલીસની પ્રાથમિક તપાસ અને સઘન પૂછપરછમાં દારૂના આ મોટા કન્સાઈનમેન્ટ પાછળના મુખ્ય સપ્લાયરો અને આકાઓના નામો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ચર્ચાતી વિગતો મુજબ, આ દારૂના નેટવર્કનો રેલો ’પુનીયા’ નામના મુખ્ય સૂત્રધાર કે સ્થાનિક આકા સુધી લંબાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. અંજાર પોલીસની આ આક્રમક અને તટસ્થ કામગીરીથી બુટલેગર લોબીમાં ભારે ફાટચૂટ અને ભયનો માહોલ સર્જાયો છે. આવનારા દિવસોમાં આ દારૂ કૌભાંડમાં મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે.

......

Comments

COMMENT / REPLY FROM