Trending News
સ્થાનિક સમાચાર

સઘન સ્વચ્છતા અભિયાન સ્ટેશનો તથા ટ્રેનોની સફાઈ

23 September



સ્વચ્છતા શપથ તેમજ રેલવે કોલોનીઓમાં જનજાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ
 
અમદાવાદ - કચ્છઉદય : રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મંડળના વિવિધ સ્ટેશનો, ટ્રેનો, કોચિંગ પ્રતિષ્ઠાનો, રેલવે કોલોનીઓ તથા કચેરીઓમાં વ્યાપક સ્વચ્છતા, સફાઈ અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન આયોજિત આ પ્રવૃત્તિઓમાં સ્વચ્છ સ્ટેશનો, સ્વચ્છ ટ્રેનો, કચરાનું પૃથક્કરણ, પ્લાસ્ટિકમુક્ત પરિસર તથા જનભાગીદારી દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ ટ્રેન તથા સ્વચ્છ જાહેર પરિસર’ અભિયાન અંતર્ગત મંડળના ૩૧ મુખ્ય તથા બિન-મુખ્ય સ્ટેશનો પર સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૫૮ સ્ટેશનો પર સફાઈ મશીનો, સાધનો તથા વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતાની તપાસ કરવામાં આવી તેમજ ૨૪ કચરા પૃથક્કરણ ડબ્બાઓની પણ તપાસ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકમુક્ત પ્લેટફોર્મ અભિયાન અંતર્ગત ૧૦૪ પ્લેટફોર્મ/વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી, જ્યારે ૧૮ નિર્ધારિત/વિશેષ ટ્રેનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩૭ સ્ટેશનોના શૌચાલયોની તથા ૩૬૨ કોચના શૌચાલયોની સફાઈ કરવામાં આવી હતી. કચેરીઓમાં સ્વચ્છ ડેસ્ક તથા ડિજિટલ દસ્તાવેજીકરણને પ્રોત્સાહન આપતાં ૩૮ સ્થળોએ ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનો દરમિયાન વિવિધ પ્રકારના કચરાનું પૃથક્કરણ તથા નિકાલ પણ કરવામાં આવ્યો હતો. ૨૧-૨૨ સપ્ટેમ્બર દરમિયાન ૧,૬૯૮ કિલોગ્રામ સૂકો કચરો, ૪,૩૨૯ કિલોગ્રામ ભીનો કચરો, ૧૯ કિલોગ્રામ સેનિટરી કચરો તથા ૧૨ કિલોગ્રામ વિશેષ દેખભાળવાળા કચરાનું એકત્રીકરણ તથા નિકાલ કરવામાં આવ્યો હતો. આ રીતે આ સમયગાળા દરમિયાન કુલ ૬,૦૫૮ કિલોગ્રામ કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ‘જનભાગીદારી એડવોકેસી’ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન નિયમો ૨૦૨૬, કચરાનું પૃથક્કરણ, કમ્પોસ્ટિંગ તથા સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી બચાવ અંગે જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેલવે કોલોનીઓ તથા વિવિધ સ્થળોએ લોકોને ખાસ કરીને ભીના અને સૂકા કચરાના પૃથક્કરણ તેમજ સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ૨૭૦ કિલોગ્રામ સૂકો તથા ૧,૨૧૫ કિલોગ્રામ ભીનો કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અભિયાન અંતર્ગત અમદાવાદ સ્ટેશન તથા સરસપુર-૧ રેલવે કોલોનીમાં સ્વચ્છતા શપથ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન મુસાફરોને ખાસ કરીને ભીના અને સૂકા કચરાના પૃથક્કરણના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. મહેસાણા રેલવે સ્ટેશન પર સ્વચ્છ ભારત શપથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગાંધીધામ વિસ્તારની સરકારી શાળાના બાળકો વચ્ચે જીઉસ્ નિયમો ૨૦૨૬ તથા કચરાના પૃથક્કરણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા અભિયાનમાં ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણને પણ જોડવામાં આવ્યા છે. પેપરલેસ ડિજિટલ ડોક્યુમેન્ટેશન સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના માધ્યમથી ઉપકરણો તથા ગેજના કેલિબ્રેશન સંબંધિત માહિતી ડિજિટલ રીતે નોંધવામાં આવી રહી છે. આ પહેલ દ્વારા કાગળના ઉપયોગ તથા બિનજરૂરી પ્રિન્ટિંગમાં ઘટાડો કરવાની સાથે રેકોર્ડ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો અને સ્વચ્છ તથા ટકાઉ કાર્યપરિસરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અભિયાન અંતર્ગત વિવિધ રેલવે કોલોનીઓમાં પણ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા રેલવે કોલોની, કાંકરિયા રેલવે કોલોની તથા વટવા રેલવે કોલોનીમાં ઘરે-ઘરે જઈને જાગૃતિ અભિયાન તેમજ સાબરમતી ન્યૂ રેલવે કોલોનીમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓના માધ્યમથી રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને સ્વચ્છતા, કચરાનું પૃથક્કરણ અને જિમ્મેદાર કચરા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ વિવિધ અભિયાનો સ્વચ્છતામાં સહભાગિતા, સ્વચ્છ રેલવે અને સ્વચ્છ ભારત’ના સંદેશને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસો છે. સતત સ્વચ્છતા, જનભાગીદારી, કચરાનું પૃથક્કરણ અને ટેકનોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા મંડળ સ્વચ્છ, હરિત તથા ટકાઉ રેલવે પરિસરની દિશામાં પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યું છે.
---

Comments

COMMENT / REPLY FROM