Trending News
સ્થાનિક સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં આઠમી અજાયબી સમાન કેબલ-સ્ટેડ અને આર્ચ બ્રિજનું નિર્માણ 

02 September


હિમાલયની છાતી ચીરીને ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ




ઉત્તર રેલવે દ્વારા રચયો જમ્મુ-કાશ્મીરમાં એન્જિનિયરિંગનો અજૂબો : દુર્ગમ પહાડો વચ્ચે ભારત રેલવેની આત્મનિર્ભરતા અને તકનીકી સિદ્ધિ : હિમાલયના ખૂણે-ખૂણાને જોડતા રેલવેના બે ભવ્ય સેતુ : સીસ્મિક ઝોન-૫ અને ૨૬૦ કિમી/કલાકની પવન ગતિ સામે અડીખમ :૧૨૦ વર્ષનું આયુષ્ય અને બારેમાસ સુરક્ષિત કનેક્ટિવિટીનું કવચ 


અંજી ખડ બ્રિજ : દેશનો પહેલો કેબલ-સ્ટેડ રેલવે બ્રિજઃ ૯૬ કેબલ્સ પર સંતુલિત અજાયબી : ૩૩૧ મીટરની ઊંચાઈ અને ૯૬ કેબલ્સ : કેબલ-સ્ટેડ ઇજનેરીનો શ્રેષ્ઠ નમૂનો : કટરા-રિયાસી લિંક : પવનની ગતિ માપવા માટે એનિમોમીટરથી સજ્જ બ્રિજ 


ચેનાબ બ્રિજ : પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચો વિશ્વનો સૌથી ઊંચો આર્ચ રેલવે બ્રિજ : ૩૦,૦૦૦ મેટ્રિક ટન સ્ટીલથી નિર્મિતઃ ચેનાબ નદી પર સ્થિત ભવ્ય કમાન : રિયાસી-બનિહાલને જોડતું ૧૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું મહાકાય માળખું



જમ્મુ - કચ્છઉદય : ઉત્તર રેલવે દ્વારા આયોજિત ઓન-ગ્રાઉન્ડ મીડિયા વિઝિટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારતીય રેલવેની ઇજનેરી ક્ષમતાનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો. પહાડોની વચ્ચે દેશના ભૌગોલિક અને તકનીકી વિકાસને નવી ઊંચાઈ આપતા બે ભવ્ય રેલવે બ્રિજનું નિર્માણ પૂર્ણ કરી રેલવેએ એક નવો ઇતિહાસ રચ્યો છે.
કટરા અને રિયાસી સેક્શનને જોડતો અંજી ખડ બ્રિજ ભારતનો સૌપ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ છે. ૭૨૫ મીટરની કુલ લંબાઈ ધરાવતા આ બ્રિજનો મુખ્ય કેબલ ભાગ ૪૭૩.૨૫ મીટરનો છે. આ બ્રિજનો પાયલોન (મુખ્ય થાંભલો) પાયાથી ૧૯૩ મીટર અને નદીના સ્તરથી ૩૩૧ મીટર ઊંચો છે. આ સમગ્ર માળખાને ૯૬ સ્વદેશી હાઇ-ટેન્શન કેબલ્સ પર સંતુલિત કરવામાં આવ્યું છે. ૫૫૦ કરોડના અંદાજિત ખર્ચે જાન્યુઆરી ૨૦૧૭થી શરૂ થયેલું આ નિર્માણ માર્ચ ૨૦૨૫માં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડતી રેલવે માટે તૈયાર કરાયેલા આ પુલ પર પવનની ગતિ માપવા ખાસ એનિમોમીટર સિસ્ટમ કાર્યરત કરાઈ છે.
રિયાસીને બનિહાલ (શ્રીનગર) સાથે જોડતો ચેનાબ બ્રિજ હાલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ (કમાન) બ્રિજ બની ચૂક્યો છે. ૧૩૧૫ મીટરની કુલ લંબાઈ ધરાવતો આ બ્રિજ ચેનાબ નદીના સ્તરથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે. આ બ્રિજમાં ૪૬૭ મીટરનો ભવ્ય આર્ચ સ્ટીલ કમાન બનાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલો આ મહાકાય પ્રોજેક્ટ ૨૦૨૪માં પૂર્ણ થયો હતો અને જૂન ૨૦૨૫માં વડાપ્રધાન દ્વારા તેનું રાષ્ટ્રાર્પણ કરવામાં આવ્યું હતું. ?૧૪૦૦ કરોડના આ ખર્ચાળ બ્રિજમાં જ ૩૦,૦૦૦ મેટ્રિક ટન સ્ટીલ વપરાયું છે, જેમાંથી ૧૦,૦૦૦ મેટ્રિક ટન સ્ટીલ તો માત્ર આર્ચના નિર્માણમાં જ ઉપયોગમાં લેવાયું છે.
આ બંને બ્રિજ અત્યંત સંવેદનશીલ એવા સીસ્મિક ઝોન-૫ (ભૂકંપ ઝોન) માં આવેલા હોવાથી વિશેષ કોંક્રિટ ફિલિંગ અને રોક બોલ્ટિંગ દ્વારા તેને મજબૂત કરવામાં આવ્યા છે. ચેનાબ બ્રિજ કલાકના ૨૬૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સામે પણ અડીખમ રહી શકે તેવી ડિઝાઇન ધરાવે છે. ૧૨૦ વર્ષના આયુષ્યની ગેરંટી સાથે આ બંને પુલ કાશ્મીર ઘાટીને દેશના અન્ય ભાગો સાથે હવામાનની પ્રતિકૂળતા વચ્ચે પણ બારેમાસ જોડાયેલી રાખશે.
------------ 

Comments

COMMENT / REPLY FROM