Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવેના કંડલા પોર્ટ અને ભીમાસર ટર્મિનલે રચ્યો નવો વિક્રમ

02 September




અમદાવાદ મંડળની આવક ૮૦૦ કરોડ પાર : ઓગસ્ટ માસમાં ડીડીપીએસ દ્વારા રૂ. ૬.૩૦ કરોડ અને આર્ય ફ્રેઇટ ટર્મિનલ દ્વારા રૂ. ૯.૮૫ કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ફ્રેઇટ આવક નોંધાઈ : સામાખિયાળી-વોંધ-ભચાઉ રેલખંડમાં ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યરત કરાયું

ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન વાણિજ્યિક અને માલ પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને રૂ. ૮૦૪.૫૮ કરોડની આવક મેળવી છે. ખાસ કરીને કચ્છ જિલ્લા સાથે જોડાયેલા રેલવે ટર્મિનલો અને માલ પરિવહન ક્ષેત્રે આ મહિને રેકોર્ડબ્રેક કામગીરી જોવા મળી છે. ગત વર્ષના ઓગસ્ટ માસની સરખામણીએ મંડળની કુલ આવકમાં રૂ. ૨૬.૩૮ કરોડનો વધારો થયો છે, જેમાં કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ બંદરો અને ફ્રેઇટ ટર્મિનલોનો મોટો સિંહફાળો રહ્યો છે.
કચ્છના ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્ર માટે આ ઓગસ્ટ મહિનો બેસ્ટ એવર પર્ફોર્મન્સનો રહ્યો છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ટર્મિનલ દ્વારા રૂ. ૬.૩૦ કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ માસિક ફ્રેઇટ આવક નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત ભીમાસર સ્થિત આર્ય ફ્રેઇટ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૯.૮૫ કરોડની ઓલટાઇમ હાઇ માસિક આવક પ્રાપ્ત કરવામાં આવી છે, જેણે માર્ચ ૨૦૨૬ના રૂ. ૯.૪૮ કરોડના અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.
જિલ્લામાં રેલવે સુવિધાઓના ઝડપી વિસ્તરણ માટે સામાખિયાળી-વોંધ-ભચાઉ રેલખંડમાં ઓટોમેટિક સિગ્નલિંગનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારમાં ટ્રેનોની પરિચાલન ક્ષમતા અને ઝડપમાં મોટો વધારો થશે. આ ઉપરાંત શિવલખા ખાતે એમ/એસ કેએમટી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડનું જીસીટી કમિશન કરાયું છે, જ્યારે સાંતલપુર નજીક નવું વધારાનું વેઇબ્રિજ કાર્યરત કરવામાં આવ્યું છે. શિવશક્તિ સી લિંક દ્વારા આયાત કરાયેલા સ્ટીમ કોલની ત્રણ રેક મારફતે પણ રેલવેને રૂ. ૧.૧૫ કરોડની માતબાર આવક થઈ છે.
કચ્છ તરફથી થતા માલ પરિવહન અને યાત્રી સેવાઓને સુચારુ રાખવાની સાથે મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં યાત્રીઓની સુવિધા અર્થે વિવિધ ટ્રેનોમાં ૪૬૪ વધારાના કોચ જોડવામાં આવ્યા હતા. રેલવે તંત્ર દ્વારા કંડલા અને ભુજ લાઇન પર માલગાડીઓના ઝડપી અને સુલભ પરિવહન માટે ઓગસ્ટ માસ દરમિયાન રેકોર્ડ ૩૬૫ લોંગ હોલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ તમામ સિદ્ધિઓ દર્શાવે છે કે કચ્છ જિલ્લો પશ્ચિમ રેલવે માટે મહેસૂલ કમાઈ આપતું એક મુખ્ય અને અતિ મહત્વનું કેન્દ્ર બની રહ્યો છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM