આંતર જિલ્લા અંડર ૧૬ બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કેસીએ - ભુજ ટીમની પ્રથમ ઈનિંગની લીડથી કચ્છ રૂરલ ટીમ સામે જીત
કેસીએ ભુજ વતી સુનિલ પીંડોરિયા ૭ વિકેટ અને જૈનિક મંગેરિયા ૫ વિકેટની શાનદાર બોલિંગ
ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જિલ્લા અંડર - ૧૬ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબી ખાતે રમાયેલી મેચમાં કેસીએ ભુજ ટીમની કચ્છ રૂરલ ટીમ સામે પ્રથમ ઇનિંગની સરસાઈથી શાનદાર જીત થઈ હતી.
પ્રથમ દિવસે ટોસ જીતીને કચ્છ રૂરલની ટીમે પ્રથમ બેટિંગ લેવાનો નિણેય કર્યો હતો. તેમનો આ નિર્ણય ફાસ્ટ બોલરને મદદ કરતી પીચ પર ખોટો સાબિત થયો હતો. કચ્છ રૂરલ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેમના બંને ઓપનર સહિત પ્રથમ ત્રણ વિકેટ માત્ર ૧ રનના સ્કોર પર પડી ગઇ હતી. એક સમયે ૨૦ ઓવરમાં માત્ર ૨૮ રનના સ્કોર પર જ ૯ વિકેટ પડી ગઇ હતી. કેેસીએ ભુજના ફાસ્ટ બોલર જૈનિક મંગેરિયા અને ગઢવી ધ્રૃવરાજની ઘાતક બોલિંગ સામે કચ્છ રૂરલની સમગ્ર ટીમ તેના પ્રથમ દાવમાં ૨૭.૩ ઓવરમાં માત્ર ૪૨ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, જેમાં જૈનિક મંગેરિયાએ ૧૦ ઓવરમાં ૫ મેડન ઓવર નાખીનેમાત્ર ૮ રન આપીને ૫ વિકેટ લીધી હતી. જેને ગઢવી ધ્રુવરાજ ૩ વિકેટ અને દર્શિલ વરસાણી ૨ વિકેટનો સાથ મળ્યો હતો. કચ્છ રૂરલ તરફથી માત્ર સીધેશ કપલે ૧૮ રન કર્યા હતા.
જવાબમાં કેસીએ ભુજ ટીમની શરૂઆત પણ નબળી રહેતા તેના બંને ઓપનર માત્ર ૧૨ રનના સ્કોર ઉપર જ પવેલિયન પરત ફરી ગયા હતા. ત્યારબાદ શ્રેયશ પટેલ ૨૯ રન અને આયુષ ખોજાએ સંભાળીને બેટિંગ કરતાં ૩૦ રનની ભાગીદારી કરી હતી. પ્રથમ દિવસના અંતે કેસીએ ભુજ ટીમનો સ્કોર ૫૬ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૦૦ રન થયો હતો, જેમાં પ્રિયાંશુ શુક્લા ૨૪ રન અને ધ્રુવરાજ ગઢવી ૨૪ રન કરીને નોટ આઉટ રહ્યા હતા. પ્રથમ દિવસે કચ્છ ક્રિકેટ એસોસીએશન સહમંત્રી પ્રવિણભાઇ હિરાણી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ગ્રાઉન્ડ ઉપર હાજર રહ્યા હતા.
મેચના બીજા દિવસે કેસીએ ભુજ ટીમે બાકી રહેલ ૨૪ ઓવરમાં ૩ વિકેટના નુકશાને બીજા ૫૫ રન જોડી સ્કોર ૭ વિકેટના નુકશાને ૧૫૫ રન સુધી પહોંચાડ્યોહતો. પ્રથમ દિવસે નોટ આઉટ રહેલ પ્રિયાંશુ શુક્લાએ ૭ રન જોડી ૩૧ રને અને ધ્રુવરાજ ગઢવી ૩ રન જોડી ૨૭ રને રન આઉટ થતા એકસમયે કેસીએ ભુજ ટીમનો સ્કોર ૧૨૦ રન ૬ વિકેટના નુકશાને થઇ ગયો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલ ધર્મરાજ પંડ્યાએ મહત્વપૂર્ણ ૨૭ રનનો યોગદાન આપી સ્કોરબોર્ડ ફરતું રાખી કુલ લીડ ૧૧૩ રન સુધી પહોંચાડી હતી. બીજી ઇનિંગમાં દાવ લેવા ઉતરેલ કચ્છ રૂરલ ટીમે ઝડપી શરૂઆત કરતા ૫ ઓવરમાં ૪૯ રન જોડી દીધા હતા, પરંતુ ત્યારબાદ પ્લેયર ઓફ ધ મેચ સુનિલ પીંડોરિયાએ શાનદાર બોલિંગ કરતાં ૨૦ ઓવરમાં ૬૩ રન આપીને ૭ વિકેટ લીધી હતી, જેમાં તેને સમથ સોની ૨ વિકેટ અને જીનય જોશી ૧ વિકેટનો સાથ મળ્યો હતો. કચ્છ રૂરલ વતી સીધેશ કપલે ૬૭ રન કર્યા હતા. કચ્છ રૂરલ ટીમ તેના બીજા દાવમાં ૫૩.૨ ઓવરમાં ૧૯૭ રન કરીને મેચમાં બીજી વખત ઓલ આઉટ થઇ હતી.
દિવસના અંતભાગમાં બીજા દાવમાં કેસીએ ભુજ ટીમને ૫ ઓવરમાં ૮૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેમાં તેણે ૫ ઓવરમાં ૧ વિકેટના નુકશાને ૨૫ રન કરતાં મેચ ડ્રો જાહેર થઇ હતી અને કેસીએ ભુજ ટીમને પ્રથમ ઇનિંગની સરસાઇને આધારે વિજેતા જાહેર કરવામાં આવી હતી. મેચના બીજા દિવસે કચ્છ ક્રિકેટ એસોશિયેશન ભુજના સિલેક્ટર નવલસિંહ જાડેજા અને મહિપતસિંહ રાઠોડે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કેસીએ ભુજ ટીમની જીત બદલ કચ્છ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, મંત્રી અતુલભાઈ મહેતા તેમજ હોદ્દેદારો અને સિલેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા. ટીમ સાથે કોચ તરીકે મહેશભાઈ પંડ્યા, ટીમ મેનેજર તરીકે અમિતભાઈ રાઠોડ જોડાયેલા છે.
-------------

Comments