વિદ્યાસહાયક ભરતી પહેલા બદલી પામેલ તમામ શિક્ષકોને છૂટા કરવા માંગ
રાજ્યસંઘ દ્વારા શિક્ષણમંત્રીઓ સમક્ષ રજૂઆત
ભુજ-કચ્છઉદય : છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યના કચ્છ સહિત છેવાડાના જિલ્લાઓમાં જિલ્લાફેર બદલી થયેલ શિક્ષક ભાઈ-બહેનો કે જેઓ ૫૦ટકા મહેકમ ન હોવાના કારણે છૂટા થવાથી વંચિત રહી ગયા છે અને છૂટા થવાની રાહ જોઈને બેઠા છે. આવા જિલ્લાફેર બદલી કરાવેલ તમામ શિક્ષકોને છૂટા કરવા માંગ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રધ્યુમન વાજા અને રીવાબા જાડેજા ઉપરાંત પ્રાથમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સમક્ષ કરવામાં આવેલ રજૂઆતની વિગતો આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર અને રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ૧૧ હજાર જેટલા વિદ્યાસહાયકોની ભરતી થવા જઈ રહી છે ત્યારે નવી ભરતી પહેલાં આ તમામ બદલી પામેલ શિક્ષકોને ૧૦૦ટકા છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવે તેવી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સને. ૨૦૧૭ અને ૨૦૨૨માં શિક્ષણ વિભાગ દ્વારા બદલી પામેલ તમામ શિક્ષકોને આ જ રીતે ૧૦૦ ટકા છૂટા કરવાનો નિર્ણય કરી શિક્ષકોને પોતાની બદલીની જગ્યાએ જવા માટેની તક આપવામાં આવી હતી તે રીતે જ શિક્ષકોના હિતમાં પુનઃ સહાનુભૂતિપૂર્વકનો નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.
દરમ્યાન કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, ધીરજ ઠક્કર, ઘનશ્યામસિંહ જાડેજા, હરિભા સોઢા સહિતના પ્રતિનિધિ મંડળે જિલ્લા પંચાયત ખાતે ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશદાન ગઢવીને રૂબરૂ મળી કચ્છમાંથી જિલ્લાફેર બદલી કરાવેલ શિક્ષકો કે જેઓનું મહેકમ જળવાતું હોય તેમ છતાં વિવિધ કારણોસર છૂટા કરવામાં નથી આવ્યા તેઓને તાત્કાલિક છૂટા કરવા માંગ કરી છે. ઈનચાર્જ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી ગઢવીએ વડી કચેરીનું માર્ગદર્શન મેળવી યોગ્ય કરવા ખાતરી આપી હતી.
-----

Comments