મેઘપર (કું) વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા; રૂ. ૫.૭૪ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી
ગાંધીધામ - કચ્છઉદય : અંજાર તાબાના મેઘપર (કું) ખાતે આવેલા અરીહંત નગર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. ફરિયાદી મનીષકુમાર ચંપકલાલ સોની પોતાના વતન પાલનપુર ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય લોખંડના દરવાજા અને લાકડાના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ સોફા-પલંગ નીચે રાખેલા થેલામાંથી આશરે ૩૫ ગ્રામ વજનના સોનાના દાગીના (કિંમત રૂ. ૧.૫૦ લાખ), ૬ કિલો ચાંદીના દાગીના (કિંમત રૂ. ૩ લાખ), પત્નીના દાગીના (કિંમત રૂ. ૧ લાખ), રોકડા રૂપિયા ૪,૦૦૦ તથા ૧૨ નંગ સાડીઓ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળી કુલ રૂપિયા ૫,૭૪,૦૦૦ ની મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત સોસાયટીના અન્ય બંધ મકાનોના પણ તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments