મુન્દ્રાના IPS ગૌતમ વિવેકાનંદનનાં ૫ત્ની અન્નુ ટાટુની ગુજરાતમાં બદલી
આસામ-મેઘાલય કેડરમાંથી લગ્નના આધારે આંતરકેડર બદલી : મુન્દ્રા ડિવિઝનમાં એએસપી તરીકે ફરજ બજાવતા ગૌતમ વિવેકાનંદન સાથે હવે એક જ રાજ્યમાં સેવા આપશે, નવા પોસ્ટિંગ પર સૌની નજર
ભુજઃ પશ્ચિમ કચ્છના મુન્દ્રા ડિવિઝનમાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી ગૌતમ વિવેકાનંદનનાં પત્ની અને ૨૦૨૨ બેચનાં આઈપીએસ અધિકારી અન્નુ ટાટુની આસામ-મેઘાલય કેડરમાંથી ગુજરાત કેડરમાં બદલી કરવામાં આવી છે. લગ્નના આધારે મંજૂર થયેલી આ આંતરકેડર બદલીથી હવે બંને આઈપીએસ અધિકારીઓ ગુજરાતમાં પોલીસ સેવા આપી શકશે. જોકે, અન્નુ ટાટુને ગુજરાતમાં કયા સ્થળે અને કયા હોદ્દા પર નિયુક્ત કરવામાં આવશે તે હજુ નક્કી થયું નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર સૂચના મુજબ, ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અન્નુ ટાટુની કેડર બદલી અંગેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. તેઓ અગાઉ આસામ-મેઘાલય કેડરમાં ફરજ બજાવતાં હતાં. તેમના પતિ ગૌતમ વિવેકાનંદન ગુજરાત કેડરના ૨૦૨૩ બેચના આઇપીએસ અધિકારી છે અને હાલમાં પશ્ચિમ કચ્છના મુન્દ્રા ડિવિઝનમાં એએસપી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓનાં પતિ-પત્ની અલગ-અલગ કેડરમાં ફરજ બજાવતા હોય ત્યારે લાગુ નિયમો અને મંજૂરીની પ્રક્રિયા હેઠળ આંતરકેડર બદલીની જોગવાઈ છે. આ જોગવાઈના આધારે અન્નુ ટાટુની ગુજરાત કેડરમાં બદલી મંજૂર કરવામાં આવી છે. તેમણે સિવિલ સર્વિસિસ પરીક્ષા-૨૦૨૧માં સફળતા મેળવી હતી અને તેઓ ૨૦૨૨ બેચનાં આઈપીએસ અધિકારી છે. અન્નુ ટાટુની ગુજરાત કેડરમાં બદલીનો આદેશ જાહેર થયા બાદ હવે તેમને રાજ્યમાં કયું પોસ્ટિંગ આપવામાં આવશે તે અંગે ચર્ચા છે. જોકે, તેમના નવા કાર્યસ્થળ, હોદ્દા કે ફરજ સંભાળવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂક અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જ તેઓ ગુજરાતમાં કઈ જગ્યાએ પોલીસ કામગીરી સંભાળશે
તે સ્પષ્ટ થશે.

Comments