ભૂલી પડેલી ૧૧ વર્ષની બાળકી માટે અભયમની ટીમ બની મદદરૂપ
પરિવારના સભ્યોના સંપર્ક નંબર ન હોવાથી રસ્તો ભટકેલી બાળકીનો સુરક્ષિત પરિવાર સાથે મેળાપ કરાવ્યો
ભુજ-કચ્છઉદય : તાલુકાના માધાપર ગામની ૧૧ વર્ષની બાળકી રસ્તો ભટકી જતાં અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મદદ કરી તેને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડી હતી. રસ્તા પર ગભરાયેલી હાલતમાં આમતેમ ફરતી બાળકીને જોઈ એક જાગૃત નાગરિકે મદદ માટે હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
મળેલી જાણના આધારે ફરજ પરનાં કાઉન્સેલર પ્રવિણાબેન પારગી, કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર અને વાહનચાલક રણછોડભાઈ લુહાર સ્થળ પર પહોંચ્યા હતા. ગભરાયેલી બાળકીને પહેલાં શાંત પાડીને તેની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે તેનાં માતા-પિતા માતાનામઢ ગયા હોવાથી તેને અને તેના નાના ભાઈને નાનીના ઘરે મૂક્યાં હતાં. દરમિયાન મામાના દીકરાએ મજાકમાં બાળકીની બેગમાં ઘરની ચાવી મૂકી દેતાં નાની સાથે ગેરસમજ ઊભી થઈ હતી. નાનીએ ગુસ્સામાં તેને ઘરેથી જતાં રહેવા કહ્યું હતું. આથી બાળકી પોતાના ઘરે જવા નીકળી હતી, પરંતુ રસ્તો ભૂલી જતાં ભટકી ગઈ હતી. તેને પરિવારના કોઈ સભ્યનો સંપર્ક નંબર પણ યાદ ન હતો.
અભયમની ટીમે બાળકીની બેગ તપાસતાં ચોપડાની પાછળથી તેનાં માતા-પિતા જ્યાં કામ કરતા હતા ત્યાંના સંપર્ક નંબર મળી આવ્યા હતા. તેના આધારે પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માતા-પિતા હાજર ન હોવાથી મામાને સ્થળ પર બોલાવી બાળકીની સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા બાદ તેને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. ટીમે બાળકીને પરિવારના સભ્યોને જાણ કર્યા વિના ઘરેથી બહાર ન નીકળવા તેમજ પરિવારના સભ્યોના સંપર્ક નંબર ડાયરીમાં લખીને રાખવા અંગે સમજ આપી હતી. અભયમની સમયસરની કામગીરીથી બાળકીનો સુરક્ષિત રીતે પરિવાર સાથે મેળાપ થયો હતો.
--------

Comments