કચ્છના ખેડૂતોને આધુનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન આપવા પ્રેરણા પ્રવાસ
ભચાઉ - કચ્છઉદય : વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા “હોલિસ્ટિક એપ્રોચ ઓફ અગ્રીક્લ્ચરલ ડેવલોપમેન્ટ એડોપ્ટેડ વિલેજીસ ઈન નોર્થ ગુજરાત” યોજના અંતર્ગત દત્તક લીધેલા ગામો (કુંભરડી અને ગુણાતીતપુર)ના ખેડૂતો માટે એક દિવસીય કચ્છ આંતર જિલ્લા પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૦ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રવાસ દરમિયાન ખેડૂતોને આશાપુરા ફાર્મ ખાતે સ્ટ્રોબેરી, કેળા, ડ્રેગન ફ્રૂટ અને ખારેકની આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ સ્ટેશન કુકમાની મુલાકાત દરમિયાન શુષ્ક પ્રદેશને અનુરૂપ ચાલી રહેલા સંશોધન કાર્યો અને વિવિધ સંશોધિત જાતો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુકમા, રિજનલ સાયન્સ સેન્ટર, ભુજ મુલાકાત લઈ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા નવીન કૃષિ પદ્ધતિઓ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમાની મુલાકાતથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૌ-આધારિત ખેતી પદ્ધતિઓ વિશે મૂલ્યવાન માહિતી મળી હતી. ખેડૂતોને વિવિધ ગૌ-આધારિત કૃષિ ઇનપુટ્સ અને ઉત્પાદનો બનાવવાની તથા તેના ઉપયોગ અને ટકાઉ ખેતીમાં તેની ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ પર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમો પણ યોજે છે, જે પ્રાકૃતિક ખેતીના ઇનપુટ્સ બનાવવા અને તેનો ઉપયોગ કરવા તેમજ અન્ય સંબંધિત તકનીકોનું વ્યવહારુ જ્ઞાન પૂરું પાડે છે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજેશ્વરસિંહ ચંદેલ તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી.એસ. પટેલના માર્ગદર્શન પ્રેરણા અને સહયોગથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના વડા ડૉ.આર. એમ. જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા પ્રવાસ દરમિયાન ધ્રુપાલ પી. નકુમ, ખેતીવાડી અધિકારી તથા હરેશ ચૌધરી, લેબ ટેક્નિશિયનએ ખેડૂતો સાથે રહી પ્રવાસનું સંકલન કર્યું હતું તેમજ જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો. પ્રવાસ દ્વારા ખેડૂતોને આધુનિક તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓને નજીકથી સમજવાની અને પોતાની ખેતીમાં નવીન તકનીકો અપનાવવા માટે પ્રેરણા મળી હતી.
-------

Comments