પશ્ચિમ કચ્છમાં ૮ મહિનામાં ૧૦ હત્યા, ૨૦ હત્યાના પ્રયાસ
ગંભીર ગુનાઓમાં પોલીસનું ૧૦૦% ડિટેક્શન, છતાં ચોરીના ૨૦૦ બનાવોમાં ૫૧ વણઉકેલાયેલા કેસ પોલીસ માટે પડકાર
પવનચક્કીથી બોરવેલ સુધીના કેબલ તસ્કરોના નિશાન પર : ખાવડા, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા સહિતના અંતરિયાળ વિસ્તારોમાં ચોરીનું જોખમ વધુ : સામાન્ય ઝઘડામાંથી જીવલેણ હુમલા સુધી પહોંચતા બનાવો ચિંતાજનક
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છમાં વર્ષ ૨૦૨૬ના પ્રથમ આઠ મહિનામાં ગુનાખોરીનું ચિત્ર ચિંતાજનક હોવા છતાં ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. ૧ જાન્યુઆરીથી ૩૧ ઓગસ્ટ દરમિયાન હત્યાના ૧૦ અને હત્યાના પ્રયાસના ૨૦ બનાવ નોંધાયા હતા અને પોલીસ તમામ કેસ ઉકેલવામાં સફળ રહી છે. ધાડના ૩ અને લૂંટના ૬ બનાવ પણ નોંધાયા હતા અને તેમાં પણ ૧૦૦ ટકા ડિટેક્શન થયું છે. જોકે સંપત્તિ સંબંધી ગુનાઓમાં ચોરીના ૧૪૯ અને ઘરફોડ ચોરીના ૫૧ બનાવ નોંધાયા છે. ચોરીના ૧૧૨ અને ઘરફોડ ચોરીના ૩૭ કેસ ઉકેલાયા છે. એટલે કે ગંભીર ગુનાઓની સરખામણીએ સંપત્તિ સંબંધી ગુનાઓમાં કેટલાક કેસ હજુ વણઉકેલાયેલા છે.
પશ્ચિમ કચ્છના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ચોરીનું સ્વરૂપ પણ અલગ જોવા મળી રહ્યું છે. ખેતરોમાં બોરવેલના કેબલ, પવનચક્કી કંપનીઓના કોપર કેબલ તથા વીજ પોલના કેબલ ચોરોની નજરે ચઢ્યા છે. ઓછી વસ્તી, રાત્રિના સમયે ઓછી અવરજવર અને ખેતરો વચ્ચેનું અંતર તસ્કરો માટે અનુકૂળ બનતું હોવાનું જોવા મળે છે. પશ્ચિમ કચ્છ એલસીબી અને પોલીસે અવારનવાર નખત્રાણા, અબડાસા અને લખપત વિસ્તારમાં પવનચક્કીના કેબલ ચોરી કરતી ટોળકી ઝડપી છે છતાં આ બનાવો અટકતા નથી જે હકીકત છે. હત્યાના ૧૦ અને હત્યાના પ્રયાસના ૨૦ બનાવોનું પ્રમાણ માત્ર આંકડો નથી, પરંતુ પશ્ચિમ કચ્છમાં ઝઘડા અને ક્ષણિક ઉશ્કેરાટ કઈ રીતે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તેની પણ ચેતવણી આપે છે. સામાન્ય બોલાચાલી કે નાની તકરાર બાદ મારામારી અને ત્યારબાદ જીવલેણ હુમલા સુધી વાત પહોંચવાના બનાવો સામે આવ્યા છે. નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે પ્રેમલગ્નના મુદ્દે પિતા દ્વારા પુત્રી અને તેના પ્રેમીની હત્યા કર્યાનો ગંભીર બનાવ માર્ચમાં સામે આવ્યો હતો. બંનેના મૃતદેહ કૂવામાં ફેંકી દેવાયા હતા. આંકડા દર્શાવે છે કે હત્યા, હત્યાના પ્રયાસ, ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં પોલીસનું ડિટેક્શન મજબૂત રહ્યું છે. બીજી તરફ ચોરીના ૧૪૯ અને ઘરફોડ ચોરીના ૫૧ બનાવો પશ્ચિમ કચ્છમાં સંપત્તિ સંબંધી ગુનાઓ સામે સતત તકેદારીની જરૂરિયાત દર્શાવે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં બોરવેલ, પવનચક્કી અને વીજ કેબલની સુરક્ષા પોલીસ માટે મહત્વનો પડકાર બની રહી છે.
..............
શહેર કરતાં અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગનો પડકાર
પશ્ચિમ કચ્છમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ઓછા માનવ વસવાટવાળા અને અંતરિયાળ વિસ્તારોમાં ચોરીના બનાવોને અંજામ આપવો તસ્કરો માટે સરળ બનતો હોય છે. ખાવડા, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ખેતરો, પવનચક્કી પ્રોજેક્ટો અને વીજ માળખું વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હોવાથી દરેક સ્થળે સતત નજર રાખવી પોલીસ માટે પડકારરૂપ છે.
..............
જુગારના ૨૬૧ કેસ પણ નોંધાયા
આઠ મહિનાના સમયગાળામાં જુગારના કુલ ૨૬૧ કેસ નોંધાયા છે. પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં મોટી કલબો પકડાતી નથી.નાના જુગાર જ પકડાય છે તેવો લોકોનો આક્ષેપ છે.ભુજમાં ઘણી જગ્યાએ હજી પણ ચકલા પોપટ, આંકડા અને યંત્રનો જુગાર ચાલુ છે !

Comments