રાપર તાલુકામાં અનેક લોકોને શીશામાં ઉતારીને કરોડોની ઠગાઈ
રાપરના અનેક વેપારીઓ ઉઠમણું કરી રફુચકકર થઈ જતાં નાના વેપારીઓ અને ખેડૂતો તથા ગરીબ લોકોના નાણાં ફસાયા : તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ફસાયેલા નાણાં પરત અપાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત
ગાંધીધામ - કચ્છઉદય : એસડીપીએવાય કૌભાંડની અસર વાગડના રાપર સુધી પહોચી છે. મળતી વિગત મુજબ રૂ. ૬૦ કરોડથી વધુની રકમ ફસાઈ ગઈ છે. વધુ વળતરની લાલચે અનેક નાના - મોટા રોકાણકારોએ રોકાણ કર્યું હતું. રોકાણ, નાણાકીય વ્યવહારો ઠપ્પ, વિશ્વાસ જાળવવા રોજ મિટિંગ યોજાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાપર તાલુકાના તથા શહેરના અનેક વેપારીઓ ઉઠમણું કરી રફુચકકર થઈ ગયા છે, જેના કારણે નાના વેપારીઓ અને ખેડૂતો તથા ગરીબ લોકોના નાણાં ફસાયા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અનેક ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા રૂા. ૬૩૪ કરોડથી વધુના એસડી પે અને એપીએનએ પે એપ્લિકેશન કૌભાંડની અસર કચ્છના રાપર તથા તાલુકા આડેસર, બાલાસર, ખડીર, ભીમાસર, ગાગોદર, પ્રાગપર, ચિત્રોડ સહિતના ગામોમાં જોવા મળી રહી છે. રાપર પંથકના અનેક નાના-મોટા રોકાણકારોના અંદાજે રૂ. ૬૦ કરોડથી વધુ રૂપિયા આ કથિત કૌભાંડમાં ફસાયા હોવાની ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ વધુ વળતર મળવાની આશાએ રાપર તાલુકાના અનેક રોકાણકારોએ એપ્લિકેશન મારફતે નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વ્યવહારો અને વળતર મળતાં રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. જોકે, છેલ્લા આશરે ચાર મહિનાથી એપ મારફતે થતા નાણાકીય વ્યવહારો મોટાભાગે ઠપ્પ થઈ જતાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. રોકાણકારોના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વાસમાં રાખવા અને એપ્લિકેશનની કામગીરી અંગે આશ્વાસન આપવા માટે દરરોજ રાત્રે આશરે ૮થી ૧૦ વાગ્યે મિટિંગ યોજવામાં આવતી હતી. મિટિંગો મારફતે રોકાણકારોને વિવિધ માહિતી આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં નાણાંના વ્યવહારો અટકી જતાં રોકાણકારો પોતાના રોકાણની રકમ પરત મળશે કે કેમ તે અંગે ચિંતિત બન્યા છે. રાપર પંથકમાં ફસાયેલા નાણાંનો આંકડો મોટો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે રોકાણકારો દ્વારા કથિત કૌભાંડની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ફસાયેલા નાણાં પરત અપાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવાની માંગ ઉઠી રહી છે. ગુજરાતભરમાં કરોડો રૂપિયાના રોકાણ સાથે જોડાયેલુ આ કથિત ડિજિટલ કૌભાંડ સ્થાનિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. રાપર તાલુકામાં એક યુવતીએ મુદભાષી બની અનેક લોકોને શીશામાં ઉતારી દીધા છે. જો આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો અનેક લોકો ને શીશામાં ઉતારી ઠગાઈ કરનાર બહાર આવે તેવી
શક્યતા છે.

Comments