માં બાપનું ઘર આશ્રમમાં કીડ જી સ્કૂલના ભૂલકાઓએ માનસિક દિવ્યાંગો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી
ભુજ : રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ સંચાલિત “માં બાપનું ઘર” આશ્રમ ખાતે કીડ જી સ્કુલ ભુજ સિનિયર કેજીના નાનકડા ભૂલકાઓ દ્વારા માનસિક રીતે અશક્ત તથા ઘરવિહોણા આશ્રિતોને રાખડી બાંધીને અનોખી અને લાગણીસભર રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
બાળકોએ આશ્રમના આશ્રિત ભાઈઓને રાખડી બાંધી તેમના જીવનમાં પ્રેમ, લાગણી અને આત્મીયતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે આશ્રમના આશ્રિતોને ફરસાણ તથા મિષ્ટાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનકડા બાળકો અને આશ્રિતો વચ્ચેનો આ લાગણીસભર મિલન સૌ માટે યાદગાર બની રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને સેવા, માનવતા અને સામાજિક જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું.
લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ દ્વારા માનવતાના અભિગમ સાથે સંચાલિત આ આશ્રમમાં ઘરવિહોણા તથા માનસિક રીતે અશક્ત લોકોને આશ્રય, ભોજન અને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નગરપાલિકાના સહયોગથી રૈન બસેરા અંતર્ગત આ માનવસેવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રક્ષાબંધનના પર્વે યોજાયેલી આ ઉજવણી દ્વારા રાખડી માત્ર ભાઈ-બહેનના સંબંધનું પ્રતિક નથી, પરંતુ માનવતા અને લાગણીના બંધનનું પણ પ્રતિક છે એવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં સંસ્થાના ટ્રસ્ટી હેમેન્દ્ર જણસારી, દર્શનભાઈ પટેલ, નેહાબેન આહીર, ક્રિષ્નાબેન આહીર સહયોગી રહ્યા હતા.
------

Comments