અમદાવાદમાં અડધી રાત્રે રેલવે બ્લૉક દરમિયાન પ્રીકાસ્ટ પગપાળા સબવે સ્થાપિત
મહીનાઓમાં થનારૂં કામ કેટલાક કલાકોમાં પૂર્ણ કરી રચ્યો ઈતિહાસ
અમદાવાદ-કચ્છઉદય : પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલા એક જ ટ્રાફિક બ્લોક દરમિયાન વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ફેક્ટરીમાં નિર્મિત પ્રીકાસ્ટ પગપાળા સબવેની સફળતાપૂર્વક સ્થાપના કરીને ઝડપી, સુરક્ષિત અને આધુનિક નિર્માણ ટેકનોલોજીનું અસરકારક પ્રદર્શન કરવામાં આવ્યું છે.
૨૫-૨૬ ઓગસ્ટ ૨૦૨૬ની મોડી રાત્રે મળેલા ૮ કલાકના નિશ્ચિત રેલવે બ્લૉક દરમિયાન ખોદકામ, સાઇટ તૈયાર કરવાથી લઈને પ્રીકાસ્ટ સબવે સ્ટ્રક્ચરની સ્થાપના અને કામ પૂર્ણ કરવા સુધીની આખી પ્રક્રિયા નિશ્ચિત સમયમર્યાદા કરતાં ૪૫ મિનિટ પહેલાં, એટલે કે ૭ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ કામ અમદાવાદ મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશ અને પ્રદીપ ગુપ્તા સીએઓ બાંધકામની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પરિયોજના માનનીય કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ બાગોદરા સ્થિત પ્લાન્ટની મુલાકાત બાદ લેવાયેલી એક મહત્વપૂર્ણ પહેલનો ભાગ છે. જે દરમિયાન કંપનીએ ભારતીય રેલવે માટે પોતાના પ્રીકાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉકેલોનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ મંડળ રેલ પ્રબંધક (ડીઆરેએમ) વેદ પ્રકાશ અને પ્રદીપ ગુપ્તા સીએઓ બાંધકામ, અમદાવાદ દ્વારા રેલવે લાઇન નીચે ઉચ્ચ ગુણવત્તાવાળા અને લીકેજ-મુક્ત પ્રીકાસ્ટ પગપાળા સબવેનું નિર્માણ તેમજ સ્થાપના કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતુું.
અમદાવાદ ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું કે, “વસ્ત્રાપુરમાં એક જ રેલવે બ્લોક દરમિયાન પ્રીકાસ્ટ પગપાળા સબવેની સફળ સ્થાપના એ ઝડપી, સુરક્ષિત અને આધુનિક નિર્માણ ટેકનોલોજીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રેલવે માટે યાત્રીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવી ટેકનોલોજીથી મર્યાદિત સમયમાં ગુણવત્તાયુક્ત કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથે-સાથે રેલવે વાહનવ્યવહારમાં અડચણને લઘુત્તમ કરી શકાય છે. આ સિદ્ધિ રેલવે અધિકારીઓ, ફૂજી સિલ્વરટેક કોંક્રીટ અને ખોડલ કન્સ્ટ્રક્શન વચ્ચેના શ્રેષ્ઠ સમન્વય અને ટીમવર્કનું પરિણામ છે. આ પગપાળા સબવેથી વસ્ત્રાપુર વિસ્તારના સ્થાનિક રહીશોને સુરક્ષિત અને સગવડભરી અવરજવરની સુવિધા મળશે અને રેલવે ટ્રેક પર અનાધિકૃત અવરજવર રોકવામાં પણ મદદ મળશે.”
વસ્ત્રાપુરમાં નિર્મિત આ પગપાળા સબવે સ્થાનિક રહીશોને સુરક્ષિત અને સુવિધાજનક અવરજવર પૂરી પાડવામાં સહાયક બનશે તેમજ રેલવે ટ્રેક પર અનાધિકૃત રીતે ચાલીને જતાં અને ટ્રેક ક્રોસ કરતાં લોકોને રોકવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે જણાવ્યું કે, “વસ્ત્રાપુર વિસ્તારના સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી સુરક્ષિત અને અનુકૂળ પગપાળા અવરજવરની જરૂરિયાત રહી હતી. તેને ધ્યાનમાં રાખીને જ મેં એક દિવસ પહેલાં અહીંની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી અને રેલવે અધિકારીઓ સમક્ષ આ પગપાળા સબવેની જરૂરિયાત તથા ઝડપી સ્થાપનાનો વિષય મૂક્યો હતો. આજે જે ઝડપથી આ કામ પૂર્ણ થયું છે, તે ચોક્કસપણે પ્રશંસનીય છે. પ્રીકાસ્ટ ટેકનોલોજી મારફતે ઓછા સમયમાં આ પગપાળા સબવેની સ્થાપના થવાથી સ્થાનિક નાગરિકોને મોટી સુવિધા મળશે. આ ટેકનોલોજીની એક મહત્વપૂર્ણ વિશેષતા એ પણ છે કે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ઓછી કરવામાં આ માળખું અસરકારક રહેશે, જેનાથી ચોમાસાના સમયે પણ લોકોને સુરક્ષિત અને સુગમ અવરજવર મળી શકશે. હું આ મહત્વપૂર્ણ કામ માટે પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ, ફૂજી સિલ્વરટેક અને નિર્માણ સાથે જોડાયેલી આખી ટીમને અભિનંદન આપું છું.”
પડકારરૂપ ૮ કલાકના રેલવે બ્લૉકમાં એક જ રાતમાં કામ પૂર્ણ થયું હતું. રેલવે લાઇન નીચે અંડરગ્રાઉન્ડ ક્રોસિંગનું નિર્માણ અત્યંત પડકારજનક કામોમાં સામેલ છે. જેમાં ખોદકામ, માળખાની સ્થાપના અને રેલવે ટ્રેકને પૂર્વવત કરવા જેવા મહત્વપૂર્ણ કામોને મર્યાદિત અને નિશ્ચિત ટ્રાફિક બ્લૉકની અંદર જ પૂર્ણ કરવાના હોય છે. ફેક્ટરીમાં નિર્મિત ઉચ્ચ ગુણવત્તા અને ચોકસાઈથી તૈયાર કરાયેલા પ્રીકાસ્ટ ઘટકોના ઉપયોગથી આ પડકારજનક કામને એક જ રાતમાં ૮ કલાકના રેલવે બ્લોકની સામે ૭ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. પરંપરાગત નિર્માણ પદ્ધતિની સરખામણીમાં પ્રીકાસ્ટ ટેકનોલોજી દ્વારા સાઇટ પર નિર્માણના સમયગાળાને ઘણો ઓછો કરી શકાય છે. આનાથી રેલવે વાહનવ્યવહારમાં અડચણ લઘુત્તમ રાખીને ઝડપી ગતિએ કાયમી અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં મદદ મળે છે.
કામના દરેક તબક્કાને પશ્ચિમ રેલવેના અધિકારીઓની દેખરેખ હેઠળ રેલવે દ્વારા નિશ્ચિત સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો અનુસાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થયા બાદ રેલવે કોરિડોરને નિશ્ચિત સમયમાં ફરીથી વાહનવ્યવહાર માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો હતો. આ સિદ્ધિ પ્રીકાસ્ટ ટેકનોલોજી, સત્વરે સાઇટ એક્ઝિક્યુશન અને રેલવે તથા નિર્માણ એજન્સીઓ વચ્ચેના અસરકારક સંકલનનું નોંધપાત્ર ઉદાહરણ છે.
વસ્ત્રાપુર પગપાળા સબવેનું આ નિર્માણ દર્શાવે છે કે પ્રીકાસ્ટ ટેકનોલોજી ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ફેક્ટરીમાં નિર્મિત પ્રીકાસ્ટ માળખાઓ દ્વારા નિર્માણની ગુણવત્તા અને ચોકસાઈને નિયંત્રિત રાખીને સાઇટ પરના કામના સમયગાળાને ઓછો કરી શકાય છે. આનાથી રેલવે બ્લૉકની જરૂરિયાતવાળી પરિયોજનાઓમાં વાહનવ્યવહારની અડચણને પણ લઘુત્તમ કરી શકાય છે. આ ટેકનોલોજી ખાસ કરીને પગપાળા સબવે, અંડરપાસ અને રેલવે લાઇન નીચે બનતા અન્ય માળખાઓ માટે ઉપયોગી છે, જ્યાં ઓછા સમયમાં સુરક્ષિત, મજબૂત અને ગુણવત્તાયુક્ત નિર્માણ જરૂરી હોય છે. વસ્ત્રાપુરમાં આ સફળ સ્થાપના જાપાની મોનોઝુકુરી એન્જિનિયરિંગ કાર્યશૈલીને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે જોડવાની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. આ પરિયોજનાના સફળ અમલીકરણ માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા પૂરા પાડવામાં આવેલા અવસર, સંકલન અને સાઇટ પરના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે. કંપની પોતાના અમલીકરણ સહયોગી ખોડલ કન્સ્ટ્રક્શનના સહયોગ અને ટીમવર્કની પણ પ્રશંસા કરે છે.
------

Comments