રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે લખપત તાલુકા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કરાયું
માતાનામઢ - કચ્છઉદય : ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૮૨મી જન્મજયંતિ નિમિત્તે લખપત તાલુકા કોંગ્રેસ દ્વારા ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારના નેતૃત્વ હેઠળ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું દેશ માટેનું યોગદાન, તેમનું બલિદાન અને દેશના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને હંમેશાં યાદ કરવામાં આવશે. રાજીવ ગાંધીના વિચારો અને સ્મૃતિને જીવંત રાખવા માટે સમાજમાં રચનાત્મક અને પર્યાવરણલક્ષી કાર્યો કરવા જરૂરી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમાએ પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના જીવન, તેમના બલિદાન તેમજ દેશના વિકાસ અને આધુનિક ભારતના નિર્માણ માટે તેમણે કરેલા વિવિધ મહત્વપૂર્ણ કાર્યો અંગે ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું. રાજીવ ગાંધીની જન્મજયંતિને માત્ર સ્મરણ દિવસ તરીકે નહીં પરંતુ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે જોડવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જત મામદ જુગ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાસમ નોતિયાર, તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ સતાર નોતિયાર, તાલુકા પંચાયત સદસ્ય જીતુભા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ જત કરમખાન, સામાજિક અગ્રણી થારુભાઈ, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ હાજી મામદ હાજી કમાળિયા, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ આદમ નોતિયાર, માતાનામઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી, લુવાર અબ્દુલભાઈ, કોંગ્રેસ સેવા દળ પ્રમુખ જીગર જોશી સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવુ કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુશેનભાઇ રાયમાની યાદીમા જણાવ્યુ હતું.
------

Comments