કચ્છ યુનિ ખાતે કાયદા વિભાગમાં ‘લીગલ સર્વિસ ક્લિનિક’નો પ્રારંભ
ભુજ - કચ્છઉદય : જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છ - ભુજ તેમજ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનાં એલએલએમ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સામાજિક સેવા ભાવના પ્રોત્સાહિત થાય તેમજ સામાન્ય જનતાને સરળતાથી મફત કાનૂની સહાય અને માર્ગદર્શન ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશયથી એલએમએમ વિભાગમાં “લીગલ સર્વિસ ક્લિનિક” નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ નવનિર્મિત ક્લિનિકનું વિધિવત ઉદ્દઘાટન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી એ. એમ. પટડીયા, મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજા, ઉપકુલપતિ ડાત મોહન પટેલ, રજિસ્ટ્રાર અનિલ ગોર, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિલીપ કાથડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભમાં કાયદા વિભાગના વડા પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા લીગલ સર્વિસ એક્ટ, ૧૯૮૭ની માહિતી અપાઈ હતી. ત્યારબાદ એ. એમ. પટડીયાએ સર્વિસ એક્ટ, ૧૯૮૭ ઉપરાંત લો કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, આ કાનૂની સેવા ક્લિનિક માત્ર એક કાર્યાલય ન બની રહેતા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી ન્યાય પહોંચાડવાનું સશક્ત માધ્યમ બનશે તેમજ કાયદાના વિદ્યાર્થીઓ આ ક્લિનિક મારફતે પોતાના શૈક્ષણિક અભ્યાસની સાથે સામાજિક ન્યાયના કાર્યમાં સક્રિય યોગદાન આપી શકશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને રજિસ્ટ્રાર અનિલ ગોરે વિદ્યાર્થીઓને કાનૂની જાગૃતિ અને સાક્ષરતા અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરણા પુરી પાડી હતી. કાર્યક્રમનું સમાપન કરતાં પ્રોફેસર દિલીપ કાથળે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માટે દિલીપ કાથળ, પ્રોફેસર તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રી હેત પરમારે જહેમત ઉઠાવી હતી.
----

Comments