K U T C H U D A Y
Trending News

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ : ક...

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ...

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપ...

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉક...

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ...

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું...

કપડા સુકાવતી વખતે વાયરને અડી જતા કિશોરને વીજ કરંટ....

સામખિયાળીમાં સગીર ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરના...

પશ્ચિમ કચ્છમાં વધુ ચાર દરોડામાં જુગાર રમતા ૧૮ ખેલી...

આતંરરાજય ઘરફોડ નેપાળી ગેંગનો આદિપુરમાં પર્દાફાશ ૧....

શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના ર૦૦થી વધુ વિદ્યાર્થીઓ તિ...

Sunday, 16 August
સ્થાનિક સમાચાર

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓનું સ્થળાંતર

15 August



જિલ્લામાં ૭ સરકારી સહિત ૫૧ કોલેજો હોવા છતાં ધોરણ ૧૨ બાદ દર વર્ષે ૫ થી ૬ હજાર વિદ્યાર્થીઓ ઉચ્ચ ભણતર માટે બહાર જાય છે : મોટાભાગની કોલેજોમાં વિઝીટિંગ ફેકલ્ટીથી ગાડું ગબડાવાની સ્થિતી : તાજેતરની અમદાવાદમાં કચ્છી યુવતિની ઘટના બાદ કચ્છમાં વાલીઓમાં ચિંતાના વાતાવરણ વચ્ચે કચ્છની કોલેજની પરિસ્થતિમાં સુધારા જરૂરી : કચ્છમાં હાજર એજ્યેકેશન તરફ પગ મડાય તે પણ જરૂરી 

ભુજઃ તાજેતરમાં કચ્છથી અમદાવાદમાં અભ્યાસ અર્થે ગયેલી એક વિદ્યાર્થિની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ઘટનાની અસર કચ્છના વાલીઓમાં પણ જોવા મળી રહી છે. ઉચ્ચ શિક્ષણની પૂરતી સુવિધાઓના અભાવે પોતાના સંતાનોને અભ્યાસ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ અને આણંદ, વલ્લભ વિદ્યાનગર જેવા શહેરોમાં મોકલવા મજબૂર બનતા વાલીઓમાં હવે મહાનગરોમાં બનતી આવી ઘટનાઓને કારણે ચિંતા અને અસુરક્ષાની લાગણી વધુ ઘેરી બની છે. કચ્છમાં જ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તો વિદ્યાર્થીઓને બહાર જવાની ફરજ ઘટી શકે છે.
કચ્છ જિલ્લામાં દર વર્ષે અંદાજે ૧૩થી ૧૪ હજાર વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પાસ કરે છે. તેમાંથી સરેરાશ ૩થી ૪ હજાર વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તથા રોજગારલક્ષી અભ્યાસક્રમો માટે કચ્છ બહારના શહેરોમાં જાય છે. આ સ્થળાંતર પાછળનું મુખ્ય કારણ માત્ર કોલેજોની સંખ્યા નથી, પરંતુ પૂરતી અને કાયમી ફેકલ્ટી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક અભ્યાસક્રમો અને રોજગારલક્ષી કોર્સનો અભાવ પણ મહત્વનો છે. કચ્છ જિલ્લામાં યુનિવર્સિટી સાથે જોડાયેલી ૫૧ કોલેજો આવેલી છે. તેમાં માત્ર ૭ સરકારી અને ૭ ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો છે, જ્યારે આશરે ૩૭ કોલેજો ખાનગી સંચાલન હેઠળ છે. સંખ્યાની દૃષ્ટિએ કોલેજો હોવા છતાં વિદ્યાર્થીઓને પોતાની જ ધરતી પર ઉચ્ચ શિક્ષણની પૂરતી અને ગુણવત્તાયુક્ત સુવિધા કેમ મળતી નથી તે મોટો સવાલ છે. ધોરણ ૧થી ૧૨ સુધી શિક્ષકોની ઘટ વચ્ચે પણ વ્યવસ્થા ચલાવી શકાય છે, પરંતુ ધોરણ ૧૨ પછીનો સમય વિદ્યાર્થીની કારકિર્દી માટે અત્યંત મહત્વનો હોય છે. આ તબક્કે અનુભવી અને કાયમી પ્રોફેસરોની ભૂમિકા નિર્ણાયક બને છે. કચ્છની અનેક સરકારી કોલેજોમાં પૂરતા કાયમી પ્રોફેસરોના અભાવે શિક્ષણ વ્યવસ્થા વીઝીટીંગ ફેકલ્ટી પર નિર્ભર બની રહી છે. ભુજની પ્રતિષ્ઠિત લાલન કોલેજને બાદ કરતાં મોટાભાગની સરકારી કોલેજોમાં વીઝીટીંગ ફેકલ્ટીના સહારે અભ્યાસક્રમ ચલાવવાની સ્થિતિ છે. બીજી તરફ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ સ્ટાફ મર્યાદિત હોવાથી વિદ્યાર્થીઓને તમામ વિષયોમાં પૂરતું અને સતત માર્ગદર્શન મળવામાં મુશ્કેલી પડે છે.કચ્છમાં જ પૂરતી ફેકલ્ટી, આધુનિક અભ્યાસક્રમો અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ થાય તો કચ્છનું યુવાધન અભ્યાસ માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર ન બને અને પોતાના જિલ્લામાં રહીને જ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે.


...................

૨૦૨૪ બાદ જીપીએસસીની કાયમી ભરતી થઈ નથી


સૂત્રોના જણાવ્યા મુજબ, જીપીએસસી મારફતે વર્ષ ૨૦૨૪માં પ્રોફેસરોની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં કાયમી ભરતી થઈ ન હતી અને હવે ૨૦૨૬ના જીપીએસસી ભરતી કેલેન્ડરમાં પણ સરકારી કોલેજોમાં પ્રોફેસરોની ભરતી અંગે સ્પષ્ટ જોગવાઈ જોવા મળતી નથી. લાંબા સમયથી નિયમિત ભરતી ન થવાના કારણે કાયમી ફેકલ્ટીની અછત વધુ ગંભીર બની રહી છે. સરકારી કોલેજોમાં કાયમી પ્રોફેસરોની ભરતી ઝડપથી કરવામાં આવે અને વિષયવાર ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સતત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે તેમ છે.


...................

ખાનગી કોલેજોમાં તોતિંગ ફી, છતાં ગુણવત્તાનો પ્રશ્ન

એક તરફ સરકારી કોલેજોમાં ફેકલ્ટીની અછત છે, તો બીજી તરફ ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલાતી હોવા છતાં શિક્ષણની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાનગી સંચાલકો દ્વારા ફેકલ્ટીને પ્રમાણમાં ઓછું વેતન ચૂકવાતું હોવાના કારણે ઉચ્ચ લાયકાત અને અનુભવ ધરાવતા સક્ષમ પ્રોફેસરો લાંબા સમય સુધી ટકતા નથી. પરિણામે વિદ્યાર્થીઓને અપેક્ષિત સ્તરનું માર્ગદર્શન અને જ્ઞાન ન મળવાની ફરિયાદો ઊભી થાય છે.

..................

હવે માત્ર બી.એ.-બી.કોમ. નહીં, સ્કીલ આધારિત અભ્યાસક્રમની જરૂર


આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર બી.એ. કે બી.કોમ. જેવા પરંપરાગત અભ્યાસક્રમો સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. ઉદ્યોગો અને રોજગાર બજારમાં કૌશલ્ય આધારિત તથા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની માંગ સતત વધી રહી છે. જોકે કચ્છની કોલેજોમાં આવા આધુનિક અને રોજગારલક્ષી અભ્યાસક્રમોની સંખ્યા હજુ પણ મર્યાદિત છે. આધુનિક કોર્સ ઉપલબ્ધ ન હોવા ઉપરાંત જે અભ્યાસક્રમો ઉપલબ્ધ છે તેમાં પણ નવા જ્ઞાન, ઉદ્યોગની જરૂરિયાતો અને બદલાતા રોજગાર ક્ષેત્ર સાથે તાલમેલ સાધી શકે તેવી પૂરતી ફેકલ્ટી જરૂરી છે. આ બંને મોરચે કચ્છ પાછળ રહેતા વિદ્યાર્થીઓ અન્ય શહેરો તરફ વળે છે.

....................

શિક્ષણમંત્રી કચ્છનાં છતાં ઉચ્ચ શિક્ષણમાં અપેક્ષિત બદલાવ  નહીં ?

કચ્છના લોકોમાં એ અંગે પણ રોષ છે કે રાજ્યના મંત્રીમંડળમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જેવા સ્થાનિક નેતાઓનું ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી તરીકેનું પ્રતિનિધિત્વ હોવા છતાં કચ્છના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં હજુ સુધી અપેક્ષિત મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ખાસ કરીને કોલેજોમાં ફેકલ્ટીની ઘટ દૂર કરવી, નવી કાયમી ભરતી કરવી, આધુનિક અભ્યાસક્રમો શરૂ કરવા અને કચ્છના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં વધુ નક્કર પગલાંની અપેક્ષા છે.


....................

મુખ્યમંત્રી પાસે કચ્છ માટે ખાસ ઉચ્ચ શિક્ષણ પેકેજની અપેક્ષા

કચ્છના વાલીઓ અને જાગૃત નાગરિકોની અપેક્ષા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મુદ્દે અંગત રસ દાખવી કચ્છના ઉચ્ચ શિક્ષણ માળખાને મજબૂત કરવા તાત્કાલિક પગલાં ભરે. સરકારી કોલેજોમાં વિષયવાર કાયમી પ્રોફેસરોની ભરતી, ખાલી જગ્યાઓની ઝડપી ભરતી, ગ્રાન્ટેડ કોલેજોમાં સ્ટાફની ઘટ દૂર કરવી, આધુનિક સ્કીલ આધારિત અને રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવા તથા ગુણવત્તાયુક્ત ફેકલ્ટી ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે. 


.................

વાલીઓની ચિંતા : બાળકને બહાર મોકલવું મજબૂરી ન બને

કચ્છમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ મજબૂત બને તો હજારો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઘરથી દૂર જવાની ફરજ ન પડે. બહાર અભ્યાસ માટે મોકલતા વાલીઓ માટે રહેવા-જમવા સહિતનો વધારાનો ખર્ચ, બાળકોની સુરક્ષા અને અજાણ્યા શહેરમાં તેમની જવાબદારી જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરની અમદાવાદની ઘટના બાદ આ ચિંતા વધુ પ્રબળ બની છે.

 

Comments

COMMENT / REPLY FROM