Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાશે

16 November


ભુજ - કચ્છઉદય : ભુજ : એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે એન્ટિબાયોટિક્સ સહિતની રોગપ્રતિકારક દવાઓ સામે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોમાં પ્રતિકારક ક્ષમતા વિકસવાની સમસ્યા આજે સમગ્ર વિશ્વ માટે જાહેર આરોગ્યનો ગંભીર પડકાર બની રહી છે. એન્ટિબાયોટિક્સના અયોગ્ય અને બિનજરૂરી ઉપયોગને કારણે આ સમસ્યા વધુ વકરવાની શક્યતા હોવાથી લોકોમાં યોગ્ય સમજ અને જાગૃતિ કેળવવી અત્યંત જરૂરી છે.
આ હેતુસર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં તા. ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
આ વર્ષની થીમ “એક આરોગ્ય, એક પહેલ : છસ્ઇને અત્યારે જ અટકાવો” રાખવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથે માનવ, પશુ અને પર્યાવરણના સ્વાસ્થ્યને એકબીજા સાથે જોડીને છસ્ઇના નિયંત્રણ માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. આ સપ્તાહ દરમિયાન જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રોના સંકલનથી વિવિધ જનજાગૃતિ, તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે.
સપ્તાહ દરમ્યાન તા. ૧૮ નવેમ્બરના સરકારી કચેરીઓ, બસ સ્ટેશન સહિતનાં જાહેર સ્થળોએ એએમઆર જાગૃતિ માટે બેનરો અને હોર્ડિંગ્સ પ્રદર્શિત કરાશે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા એએમઆર અંગે પ્રતિજ્ઞા લેવામાં આવશે તેમજ ‘જો બ્લ્યુ ફોર એએમઆર’ અભિયાન દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે. તા. ૧૯ નવેમ્બરના સરકારી અને ખાનગી તબીબો માટે એન્ટિબાયોટિક્સના જવાબદારીપૂર્વક અને યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તબીબો માટે ઝ્રસ્ઈ (સતત તબીબી શિક્ષણ) કાર્યક્રમનું આયોજન કરાશે. તા. ૨૦ નવેમ્બરના કેમિસ્ટ અને ફાર્માસિસ્ટને એન્ટિબાયોટિક્સના યોગ્ય વિતરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને લાયક તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સનું વેચાણ ન કરવા અંગે સમજ આપવામાં આવશે. તા. ૨૧ નવેમ્બરના આરોગ્ય સંસ્થાઓમાં ઓડિયો જિંગલ અને આઈઈસી સામગ્રીના માધ્યમથી જાગૃતિ ફેલાવવામાં આવશે. આશા બહેનો અને એમપીએચડબલ્યુ દ્વારા ઘર-ઘર સુધી એએમઆર અંગેના જનજાગૃતિ સંદેશાઓ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત ચેપ નિયંત્રણ, વ્યક્તિગત સ્વચ્છતા અને હાથની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તા. ૨૨ નવેમ્બરના એએમઆર અંગે લોકોમાં જાગૃતિ લાવવા રેલી અને વોકાથોનનું આયોજન કરવામાં આવશે. જેમાં આરોગ્ય કર્મચારીઓ, તબીબી સંગઠનો, આશા બહેનો, એનસીસી - એનએસએસનડા સભ્યો અને વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. તા. ૨૩ નવેમ્બરના શાળાઓ અને કોલેજોમાં એએમઆર અંગે જાગૃતિ સત્રો યોજાશે. નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ અને પોસ્ટર સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સમજ કેળવવામાં આવશે. આરોગ્ય સંસ્થાઓમાં હાથની સ્વચ્છતા, પીપીઈનો યોગ્ય ઉપયોગ અને ચેપ અટકાવવાની પદ્ધતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. તા. ૨૪ નવેમ્બરના વન હેલ્થ સાથે સંકળાયેલા વિવિધ વિભાગો અને હિતધારકો વચ્ચે સંકલન અને ચર્ચા દ્વારા સપ્તાહ દરમિયાન હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેમજ છસ્ઇના નિયંત્રણ માટે ભવિષ્યની કાર્યયોજના તૈયાર કરવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માત્ર લાયક તબીબની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન મુજબ જ કરવો. પોતાની રીતે એન્ટિબાયોટિક્સ લેવી નહીં, જૂના પ્રિસ્ક્રિપ્શનના આધારે ફરીથી દવાઓનો ઉપયોગ કરવો નહીં કે અન્ય વ્યક્તિ સાથે દવાઓ વહેંચવી નહીં. તબીબની સૂચના મુજબ દવાનો કોર્સ પૂર્ણ કરવો જોઈએ. એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાથી થતા ચેપ સામે અસરકારક છે, પરંતુ વાયરસથી થતા રોગોમાં અસરકારક નથી. તેથી શરદી, ઉધરસ અને વાયરલ તાવ જેવી બીમારીઓમાં તબીબી સલાહ વિના એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવું જોઈએ.
આ સમગ્ર અભિયાનમાં આરોગ્ય વિભાગની સાથે પશુપાલન, કૃષિ, ખોરાક અને ઔષધ નિયમન, પર્યાવરણ, શિક્ષણ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહયોગથી ‘વન હેલ્થ’ અભિગમને સાકાર કરવા પ્રયાસ કરવામાં આવશે. માનવ, પશુ અને પર્યાવરણના સ્વાસ્થ્ય વચ્ચેના પરસ્પર સંબંધને ધ્યાનમાં રાખીને જનભાગીદારી દ્વારા એએમઆર સામે સામૂહિક લડતને વધુ મજબૂત બનાવવાનો આરોગ્ય વિભાગનો સંકલ્પ છે. 
----

Comments

COMMENT / REPLY FROM