Trending News
સ્થાનિક સમાચાર

જંગી એચઆઈવી - એઈડ્‌સ, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

01 September


ભચાઉ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના જંગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય એઈડ્‌સ અને એસટીડી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સઘન આઈઈસી અભિયાન-૩.૦ હેઠળ જંગી કુમાર શાળા ખાતે એચઆઈવી - એઈડ્‌સ, ટીબી, હિપેટાઇટિસ, લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર દેશમાં સઘન આઈઈસી અભિયાન-૩.૦ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એચઆઈવી - એઈડ્‌સ સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના દિશાનિર્દેશન હેઠળ, જિલ્લા ટીબી - એચઆઈવી અધિકારી ડો. મનોજ દવે તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંઘના સંકલન અને સહયોગથી તેમજ જંગી પીએચસીના મેડિકલ ઓફિસર ડો. પ્રિયા પટેલના દિશાનિર્દેશનમાં અને આઈસીટીસી ભચાઉના સંકલનથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પીએચસી જંગી-૧ અને જંગી-૨ના સીએચઓ, એમપીએચડબલ્યુ તથા એફએચડબલ્યુ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને એચઆઈવી - એઈડ્‌સ, એસટીઆઈ, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વિવિધ ચેપી રોગોના કારણો, લક્ષણો, સંક્રમણથી બચવાના ઉપાયો, સમયસર તપાસ, વહેલું નિદાન અને યોગ્ય સારવારના મહત્વ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. એચઆઈવી - એઈડ્‌સ અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ એચઆઈવી સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવા અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. ટીબીના લક્ષણો જણાય તો સમયસર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તપાસ કરાવવી અને તબીબી સલાહ મુજબ સંપૂર્ણ સારવાર લેવી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિદ્યાર્થીઓને રોગના લક્ષણો, બચાવના ઉપાયો તથા સમયસર આરોગ્ય સેવાઓ મેળવવાના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને કાર્યક્રમ દરમિયાન મળેલી આરોગ્યલક્ષી માહિતી પોતાના પરિવાર અને સમાજ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સઘન આઈઈસી અભિયાન-૩.૦ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા સમાજમાં એચઆઈવી - એઈડ્‌સ સહિતના ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક અને સાચી સમજ વિકસાવવાનો, ગેરમાન્યતાઓ દૂર કરવાનો તથા રોગોના સમયસર નિદાન અને યોગ્ય સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા “જાગૃતિ, સમયસર તપાસ અને યોગ્ય સારવાર”નો સંદેશ લોકો સુધી પહોંચાડી ચેપી રોગોના નિયંત્રણ અને નિવારણમાં જનભાગીદારી વધારવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
---

Comments

COMMENT / REPLY FROM