Trending News
સ્થાનિક સમાચાર

દિલ્હીથી વૈષ્ણોદેવી માત્ર ૩૬૦ મિનિટમાં પહોંચી જવાશે 

01 September


જમ્મુ-કાશ્મીરની કનેક્ટિવિટીને મળશે નવી ગતિ


દિલ્હી-કટરા એક્સપ્રેસવે અને નવી સમાંતર ટનલથી મુસાફરીનો સમય ઘટીને અડધો થઇ જશે :  અકસ્માતપ્રવણ બ્લેક સ્પોટ્‌સને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ ફ્લાયઓવર, , અંડરપાસ અને ફૂટ ઓવરબ્રિજ પણ બનશે 



જમ્મુ-કચ્છઉદય : (માનવ ભાનુશાલી દ્વારા) જમ્મુ-કાશ્મીરમાં માર્ગ પરિવહન અને કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઇ) દ્વારા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સ પર કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે, ચેનાની-નાશરી ટનલની સમાંતર નવી ફોરલેન ટનલ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર સર્વિસ રોડ, ફ્લાયઓવર અને અંડરપાસ તેમજ જમ્મુ અને શ્રીનગરના રિંગ રોડ સહિતના પ્રોજેક્ટ્‌સથી આગામી સમયમાં મુસાફરોને વધુ ઝડપી, સુરક્ષિત અને સુગમ પરિવહન સુવિધા મળવાની અપેક્ષા છે. ચેનાની - નાશરી ટનલના પ્રોજેક્ટ હેડ જે.પી. શર્માએ જણાવ્યું હતું કે, આ ટનલને વર્ષ ૨૦૧૧માં મંજૂરી મળી હતી..વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ આ ટનલનું ઉદ્દઘાટન કર્યું હતું. આશરે ૯ કિલોમીટર લાંબી આ ટનલના નિર્માણમાં એન.એ.ટી.એમ (ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી શર્માએ જણાવ્યું હતું કે ટનલના નિર્માણ દરમિયાન કોઈ મોટી ટેકનિકલ મુશ્કેલી કે ટનલ તૂટી પડવાની ઘટના સર્જાઈ નહોતી. કામ ઝડપી ગતિએ કરવામાં આવ્યું હતું, પરંતુ દરેક કામગીરીનું ડબલ ચેકિંગ કરવામાં આવતું હતું. ભૌગોલિક પરિસ્થિતિ અંગે નિષ્ણાત ટીમ તેમજ પૂરતી મશીનરી ઉપલબ્ધ હોવાથી ટનલનું કામ યોગ્ય રીતે આગળ વધ્યું અને આશરે પાંચ વર્ષના સમયગાળામાં પૂર્ણ થયું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ટનલ સંપૂર્ણ થઈ ચૂકી છે અને વર્ષ ૨૦૧૭થી જ ઓપરેશનમાં છે. તેમાં હવે કન્સ્ટ્રક્શનનું કોઈ કામ બાકી નથી અને હાલમાં માત્ર ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ચેનાનીથી શરૂ થઈ નાશરી ખાતે પૂર્ણ થતી આ ટનલના કારણે જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો માર્ગ આશરે ૩૧ કિલોમીટર ટૂંકો થયો છે. જૂનો માર્ગ પહાડી વિસ્તારનો હોવાથી મુસાફરીમાં લાગતા આશરે એક થી દોઢ કલાકના સમયનો પણ બચાવ થયો છે. પ્રોજેક્ટના ખર્ચ અંગે શ્રી શર્માએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ.૨૫૧૯ કરોડ હતો, જ્યારે અંતે પ્રોજેક્ટ રૂ.૩૩૨૦ કરોડના ખર્ચે પૂર્ણ થયો હતો. બીજી તરફ એનએચએઆઈ ઉધમપુરના પ્રોજેક્ટ ડિરેક્ટર ઈશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હાલમાં દિલ્હી-અમૃતસર - કટરા એક્સપ્રેસવેનું કામ મુખ્ય પ્રોજેક્ટ તરીકે ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના આશરે ૧૫૦ કિલોમીટર વિસ્તારમાં આ કામગીરી પાંચ પેકેજ એટલે કે પેકેજ ૧૪થી ૧૮માં કરવામાં આવી રહી છે. પેકેજ ૧૪, ૧૫ અને ૧૬નું કામ પઠાણકોટથી જમ્મુ સુધીના વિસ્તારમાં છે, જ્યારે પેકેજ ૧૭ અને ૧૮ જમ્મુથી કટરા તરફના વિસ્તારમાં છે.શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે, પેકેજ ૧૪ થી ૧૬ની પ્રગતિ આશરે ૯૦ ટકા છે, જ્યારે પેકેજ ૧૭ અને ૧૮ની પ્રગતિ આશરે ૭૦ ટકા થઈ ગઈ છે. અમારો લક્ષ્યાંક નવેમ્બર ૨૦૨૭ સુધીમાં જમ્મુ-કાશ્મીરના આ એક્સપ્રેસવેના ભાગને પૂર્ણ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે એક્સપ્રેસવે પૂર્ણ થયા બાદ દિલ્હીથી કટરા સુધીનો મુસાફરી સમય હાલના ૧૧થી ૧૨ કલાકમાંથી ઘટીને આશરે ૬ થી સાડા છ કલાક થઈ જશે. કટરા ખાતે એક્સપ્રેસવેને મલ્ટી-મોડલ એટલે કે ઇન્ટર-મોડલ સ્ટેશન સાથે જોડવામાં આવશે, જ્યાં પાર્કિંગ સહિતની વિવિધ કનેક્ટિવિટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈશ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૪ પર પણ માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે વિવિધ કામગીરી ચાલી રહી છે. અકસ્માતપ્રવણ બ્લેક સ્પોટ્‌સને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ ફ્લાયઓવર, , અંડરપાસ અને ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. હાઇવેની આસપાસ સ્થાનિક વસાહતો, દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનો વિકાસ થયો હોવાથી સ્થાનિક ટ્રાફિકને હાઈ-સ્પીડ ટ્રાફિકથી અલગ કરવા માટે જમ્મુ-ઉધમપુર હાઇવે પર આશરે ૨૪ કિલોમીટર લાંબો સર્વિસ રોડ પણ વિકસાવવામાં આવી રહ્યો છે. આ સર્વિસ રોડથી સ્થાનિક અને હાઈ-સ્પીડ ટ્રાફિક અલગ થતાં બંને પ્રકારના વાહનચાલકોની સલામતીમાં વધારો થશે. ચેનાની - નાશરી ટનલ અંગે ઈશ ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલની ટનલ ટુ-લેન છે અને સમય જતાં ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી તેની સમાંતર નવી ટનલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ચેનાની-નાશરી ટનલની ફોર-લેનિંગ માટે બીજી વધારાની ટ્યુબ બનાવવાનો ડીપીઆર તૈયાર છે અને અમારો લક્ષ્યાંક આ જ વર્ષે તેનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. આશરે રૂ.૩ હજાર કરોડના ખર્ચે બીજી ૯ કિલોમીટર લાંબી ટનલ હાલની ટનલની સમાંતર બનાવવામાં આવશે. પ્રવાસન સ્થળ પટનીટોપ અંગે શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી હાલના માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતું હતું. તેથી જંગલો અને પહાડોને નુકસાન પહોંચાડ્યા વિના ઉપલબ્ધ જગ્યામાં રસ્તાને ટુ-લેન અથવા ટુ-લેન પ્લસ પેવ્ડ શોલ્ડર કન્ફિગરેશનમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટની કામગીરી આશરે ૭૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની અપેક્ષા છે. આ ઉપરાંત જમ્મુ અને શ્રીનગર શહેરોમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રિંગ રોડ પ્રોજેક્ટ્‌સ પર પણ કામગીરી ચાલી રહી છે. શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે જમ્મુની આસપાસ આશરે ૫૮ કિલોમીટર લાંબો રિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં રોડનો ભાગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે ટનલનો ભાગ પણ આશરે ૯૦ ટકા પૂર્ણ થયો છે. આ કામગીરી ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. શ્રીનગરમાં સેમી-રિંગ રોડનું પણ આશરે ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રીનગર રિંગ રોડના ફેઝ-૧ ઉપરાંત ફેઝ-૨ અને ફેઝ-૨એની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને ફેઝ-૩ માટે ડીપીઆર તૈયાર કરવાની કામગીરી અદ્યતન તબક્કામાં છે. આ પ્રોજેક્ટ્‌સ પૂર્ણ થયા બાદ શ્રીનગર શહેરમાં તેમજ ડલ લેક વિસ્તાર તરફ જતા ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે. દિલ્હી-કટરા એક્સપ્રેસવેના સમયપત્રક અંગે ઈશ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૭નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અગાઉ કુદરતી આપત્તિ અને અસાધારણ વરસાદ જેવી ફોર્સ મેજ્યોર પરિસ્થિતિઓના કારણે કેટલાક પ્રોજેક્ટ્‌સને નુકસાન થતાં કામગીરીમાં થોડો વિલંબ થયો હતો. તેમ છતાં જમ્મુ-કાશ્મીરમાં એન.એચ.એ.આઇ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્‌સને ઝડપથી પૂર્ણ કરવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ચેનાની-નાશરી ટનલથી લઈને દિલ્હી-કટરા એક્સપ્રેસવે, એનએચ ૪૪ની સલામતી સુવિધાઓ, પટનીટોપ કનેક્ટિવિટી તથા જમ્મુ-શ્રીનગર રિંગ રોડ સુધીના આ પ્રોજેક્ટ્‌સ પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરની કનેક્ટિવિટી વધુ ઝડપી, સુરક્ષિત અને સુગમ બનવાની સાથે પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે.
----------- 

Comments

COMMENT / REPLY FROM