Trending News
સ્થાનિક સમાચાર

મા આશાપુરા કોલેજમાં બીએડ સત્ર પ્રવેશોત્સવ તથા ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

26 August



ભુજ-કચ્છઉદય : મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન (શિવ શક્તિ વિદ્યા સંકુલ) ભુજ ખાતે બી.એડ. સત્ર ૨૦૨૬-૨૦૨૮ના નવપ્રવેશી પ્રશિક્ષણાર્થીઓ માટે ’પ્રવેશોત્સવ તથા ઓરિએન્ટેશન કાર્યક્રમ’નું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા સર્વે મહાનુભાવોનું સ્વાગત સમિતિ દ્વારા પરંપરાગત સ્વાગત કરી અલ્પાહાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ અતિથિ વિશેષોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ માં સરસ્વતી અને માં આશાપુરાની વંદના સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રશિક્ષણાર્થી બહેનો દ્વારા ભાવસભર સ્વાગત ગીત રજૂ થયું હતું. 
અતિથિ સત્કાર પરંપરા અંતર્ગત સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ પુષ્પદાનભાઈ ગઢવી દ્વારા મુખ્ય અતિથિ યોગેન્દ્રસિંહ રાઠોડ (ડીઆઈજી, બીએસએફ ભુજ)નું શાલ, પુસ્તક, પુષ્પગુચ્છ અને માતાજીની તસવીર અર્પણ કરી વિશેષ સન્માન કરાયું હતું. સાથે જ સંસ્થા તરફથી અતિથિ વિશેષ વિપિન પંથારી (કમાન્ડન્ટ ૬૮-બીએન, બીએસએફ) અને વિશેષ અતિથિ મનીષ દેવલ (ડેપ્યુટી કમાન્ડન્ટ ૬૮બીએન, બીએસએફ)નું ટ્રસ્ટી વિજયભાઈ ગઢવી તથા પદાધિકારીઓ દ્વારા હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન આપતાં સૈનિક અને શિક્ષકના દાયિત્વનો અનોખો સમન્વય દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે એક જવાન સરહદ પર ખડેપગે રહીને સેવા આપે છે, જ્યારે શિક્ષક વર્ગખંડમાં રહીને દેશના ભાવિ નાગરિકો અને રાષ્ટ્રના ચરિત્રનું ઘડતર કરે છે. ત્યારબાદ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ પુષ્પદાનભાઈ ગઢવીએ પૂજ્ય વખતસિંહના આશીર્વાદ અને સ્મરણ સાથે શિવ શક્તિ વિદ્યા સંકુલના ભવ્ય ઇતિહાસ, સંસ્થાકીય મૂલ્યો અને શિક્ષણક્ષેત્રે થયેલી પ્રગતિનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.
મુખ્ય અતિથિ યોગેન્દ્રસિંહ રાઠોડ (ડીઆઈજી, બીએસએફ)એ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં તાલીમાર્થીઓને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની અહમ ભૂમિકા, શિસ્ત અને સમર્પણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે વર્તમાન સમયની દોડધામ વચ્ચે તણાવમુક્ત રહીને આંતરિક મૂલ્યો સાથે એક સંતુલિત અને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે અંગે ખૂબ જ સરળ અને ઊંડાણપૂર્વકના વિચારો રજૂ કર્યા હતા, જેણે સૌ શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ અંતમાં સૌનો આભાર દર્શન કૉલેજના આચાર્યા ડૉ. પલ્લવી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સૌએ રાષ્ટ્રગાન ગાઈ આ ગૌરવવંતા સમારોહની પૂર્ણાહુતિ કરી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM