Trending News
સ્થાનિક સમાચાર

ભુજ - બાંદ્રા અને ગાંધીધામ - જોધપુર ટ્રેનને ભચાઉમાં સ્ટોપ આપવા માંગ

27 October


નગરપાલિકાનાં ઉપપ્રમુખ ચંપાબેન ગોઠીએ રેલવે મંત્રીને પત્ર લખી કચ્છના મુસાફરોની સુવિધા વધારવા રજૂઆત કરી

ભચાઉ-કચ્છઉદય : કચ્છના મુસાફરોને વધુ સારી રેલવે સુવિધા મળી રહે તે હેતુથી ભચાઉ નગરપાલિકાનાં ઉપપ્રમુખ ચંપાબેન અંબાવીભાઈ ગોઠીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરી છે. તેમણે ભુજ - બાંદ્રા એસી ટ્રેન અને ગાંધીધામ - જોધપુર ટ્રેનને ભચાઉમાં સ્ટોપ આપવા, ગાંધીધામથી હરિદ્વાર તથા બાંદ્રા માટે નવી ટ્રેનો શરૂ કરવા અને ગાંધીધામ-જોધપુર ટ્રેનને રામદેવરા સુધી લંબાવવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ભચાઉ કચ્છનું પ્રવેશદ્વાર હોવાની સાથે મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે. અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો વસવાટ કરે છે. વેપાર-ધંધા અને અન્ય કામકાજ માટે કચ્છથી મુંબઈ જનારાઓની સંખ્યા મોટી હોવાથી મુંબઈ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ધસારો રહે છે. આથી ગાંધીધામથી બાંદ્રા વચ્ચે સવારના સમયે નવી દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવે તો કચ્છના મુસાફરોને વધુ અનુકૂળતા મળી શકે છે.
હાલ ભુજથી બાંદ્રા જતી ટ્રેન નંબર ૨૨૯૦૪ એસી ટ્રેનને ભચાઉમાં સ્ટોપ મળતો ન હોવાથી અહીંના મુસાફરોએ આ ટ્રેનમાં બેસવા સામખિયાળી સુધી જવું પડે છે. ભચાઉમાં સ્ટોપ આપવામાં આવે તો મુસાફરોનો સમય અને આવવા-જવાનો ખર્ચ બચી શકે છે. આ ઉપરાંત ગાંધીધામથી જોધપુર જતી ટ્રેન નંબર ૨૨૪૮૪ને પણ ભચાઉમાં સ્ટોપ આપવા રજૂઆત કરવામાં આવી છે. કચ્છના શ્રદ્ધાળુઓને રામદેવરા ખાતે બાબા રામદેવપીરના દર્શને જવામાં સરળતા રહે તે માટે ગાંધીધામ-જોધપુર ટ્રેનને રામદેવરા સુધી લંબાવવાની માંગ કરાઈ છે. આ સુવિધા ઉપલબ્ધ થાય તો યાત્રાળુઓને મુસાફરીમાં સરળતા રહે અને સમયની બચત થાય. તેવી જ રીતે, હરિદ્વાર જવા ઇચ્છતા કચ્છના મુસાફરોને સીધી રેલસેવા મળી રહે તે માટે ગાંધીધામથી હરિદ્વાર વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં હરિદ્વાર જવા માટે મુસાફરોએ પાલનપુર જેવા સ્થળે પહોંચીને ટ્રેન બદલવાની અગવડ ભોગવવી પડતી હોવાથી સીધી ટ્રેન શરૂ થાય તો યાત્રાળુઓને મોટી રાહત મળી શકે છે.
આ તમામ માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લઈ કચ્છના મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવામાં આવે તેવી ચંપાબેન અંબાવીભાઈ ગોઠીએ રેલવે મંત્રીને રજુઆત કરી છે. પત્રની નકલ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને પણ મોકલવામાં આવી છે. 
------------

Comments

COMMENT / REPLY FROM