K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ભચાઉ પાસે લોકોના વિરોધથી લોધેશ્વર નજીક ઓવરલોડ વાહનોના પૈડા થંભી ગયા

28 February


ગઈકાલે બેકાબૂ બનેલા ઓવરલોડ ટ્રેઈલર ચાલકે સર્જેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે પણ રસ્તા પર ચક્કાજામ યથાવત : વિરોધને જોતા ૧૦૦થી વધુ ઓવરલોડ ખનિજ અને નમક ભરેલી ગાડીઓ લોધેશ્વર પાસે ઉભી રાખી દેવાઈ : લોધેશ્વર પાસે પૂર્વ કચ્છ આરટીઓની ચેકપોસ્ટ હોવા છતાં હજુ સુધી આરટીઓના એકેય ઈન્સ્પેકટર ફરકયા નથી : આરટીઓ - ખાણ ખનિજ અને પોલીસના હપ્તારાજ વધુ એકવાર સનસનીખેજ પર્દાફાશ થયો 

ભચાઉ : પૂર્વ કચ્છમાં ભચાઉ પાસે કસ્ટમ ચોકડી અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં સતત અકસ્માતો થઈ રહ્યા છે. મહિનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે રોંગ સાઈડમાં આવેલા ટ્રેઈલર ચાલકે બેકાબૂ બની કાર, રિક્ષા અને બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે મોત થયું હતું. ગંભીર ઘટના હોવા છતાં તંત્રના પેટનું હજુ સુધી પાણી હલ્યું નથી. ભુજમાં રાષ્ટ્રપતિ આવવાના છે એટલે આજે અડધો દિવસ જાહેરનામુ પ્રસિદ્ધ કરી નળ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી પ્રિન્સ રેસીડેન્સી સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જાહેરનામા સ્પષ્ટ લખ્યું છે કે, અકસ્માત કે અન્ય કોઈ પરિસ્થિતિને ટાળવા આ પ્રતિબંધ લગાવાયો છે. પરંતુ જયાં રોજના અકસ્માત થાય છે, નિર્દોષ લોકો મોતને ભેટે છે. વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. ત્યાં જાહેરનામું તો ઠીક પરંતુ લોકો પકડીને આપે છે છતાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં તંત્રના હાથ ધ્રુજતા હોય તેવો સીલસીલો સર્જાયો છે. ગઈકાલે અકસ્માત બાદ રસ્તો ચક્કાજામ કરાયો અને ભીમ કોરેગાંવ સેનાના પ્રમુખ સુરેશભાઈ કાંઠેચા, ગૌસેવા સમિતિના પ્રમુખ શિવુભા જાડેજા, કિસાન સેલના ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા તેમજ શેખડાડા સહિતના આગેવાનો ગઈકાલે બપોરથી રસ્તા પર ઉભા છે. એક પણ ઓવરલોડ વાહનોને પસાર થવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે. જેથી ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. ગઈકાલે બપોરથી ભુજ - ભચાઉ હાઈવે પર લોધેશ્વર પાસે જયાં જગ્યા મળી ત્યાં ઓવરલોડ ખનિજ અને નમક ભરેલા વાહનો ઉભા રાખી દેવામાં આવ્યા છે. તસવીરમાં જોઈ શકાય કે, ભારે વાહનોના થપ્પા લાગેલા પડ્યા છે. ૧૦૦થી વધુ ઓવરલોડ ટ્રેઈલરો રોડ પર ઉભા છે, પરંતુ પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ, ફલાઈંગ સ્કવોર્ડ, પૂર્વ કચ્છ આરટીઓ કચેરી, ભચાઉ અને દુધઈ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ, એલસીબી, મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી કે, કોઈ પણ સરકારી અધિકારી દ્વારા આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અહીંના નેતાઓ પણ નપાણિયા સાબિત થયા હોય તેમ નિર્દોષ લોકોના મોતને અટકાવવા માટે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. પરિણામે સામાન્ય જનતાને પોતાના જીવને બચાવવા માટે રોડ પર ઉતરી આંદોલન કરવાની ફરજ પડી છે. આ જ વિકસતું કચ્છ અને ગુજરાત સરકારના મતે વાઈબ્રન્ટ કચ્છનું મોડલ છે. 



.....................

Comments

COMMENT / REPLY FROM