K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

ભોગથી યોગની તરફ ગતિ : આચાર્યશ્રી મહાશ્રમણજી

26 February


આચાર્યશ્રીએ પદાર્થોના ઉપયોગમાં સંયમ રાખવા માટે પ્રેરિત કર્યા

ભુજ : જનજનના મનને આધ્યાત્મિક સિંચનથી તૃપ્ત કરનાર શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રાના પ્રણેતા, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી તેમની ધવલ સેના સાથે હવે ગાંધીધામ તરફ ગતિમાન છે. બુધવારે શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી બિદડાથી ગતિમાન થયા હતા. માર્ગમાં અનેક લોકોએ આચાર્યશ્રીના દર્શન અને આશીર્વાદનો લાભ લેવાનું સૌભાગ્ય મેળવ્યું હતુ. આશરે ૧૨ કિમીનો વિહાર કરીને આચાર્યશ્રી દેશલપર (કંઠી)ખાતે આવેલા દેશલપરની પંચાયત પ્રાથમિક શાળામાં પધાર્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકોએ આચાર્યશ્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતુ.
શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતા ને પાવન પાથેય આપતા કહ્યું હતું કે, બે શબ્દો છે - ભોગ અને યોગ. બંને એકબીજાથી વિપરીત છે. જ્યાં ભોગ માણસને બંધન તરફ લઈ જનાર હોય છે, ત્યાં યોગ તેને મુક્તિ તરફ લઈ જનાર છે. ભોગને અધર્મ અને ત્યાગને ધર્મ માનવામાં આવે છે, અને યોગને પણ ધર્મ કહેવાયો છે. યોગને મોક્ષનું સાધન કહેવામાં આવ્યું છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્યની સાધના યોગ છે. આત્માને મોક્ષ સાથે જોડનાર ધર્મની પ્રકૃતિ યોગ છે.માણસ આસક્તિના કારણે ભોગમાં જઈને કર્મોથી બંધાઈ જાય છે. પહેલા માણસ ભોગ ભોગવે છે અને પછી ભોગ માણસને ભોગવા લાગે છે. જેમ કે, જ્યારે કોઈ વ્યક્તિ ભોજનમાં કોઈ પદાર્થનો આસક્તિવશ વધુ ઉપયોગ કરે છે, તો તે પદાર્થ પાછળથી તેને પીડા આપે છે.આ રીતે પદાર્થ માણસને ભોગવા લાગે છે. માણસની તૃષ્ણા અને લાલસા વધતી રહે છે, પણ માણસ પોતે વૃદ્ધ બની જાય છે. પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેમાં અનાસક્તિ અને સંયમ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યાં થોડામાં ચાલે ત્યાં વધારે લેવાની શું જરૂર? માણસે પોતાના જીવનમાં સાદગી અને સંતોષ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. પદાર્થોના અત્યાધિક પ્રયોગથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે, પરંતુ ઇચ્છાઓની પૂર્તિ કદી પણ થઈ શકે નહીં. તેથી માણસે પોતાની ઇચ્છાઓ ઉપર પણ સંયમ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. માણસના જીવનમાં ત્યાગ અને સંયમ હોવા જોઈએ. સાધુઓ માટે તો તે અનિવાર્ય છે, પણ સામાન્ય ગૃહસ્થને પણ જેટલું શક્ય હોય તેટલો ત્યાગ અને સંયમની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ અને ભોગમાંથી યોગ તરફ ગતિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
આચાર્યશ્રીના સ્વાગતમાં નારાયણભાઈ ગઢવી અને જીનેશભાઈ મહેતાએ ભાવસભર અભિવ્યક્તિ આપી હતી.આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે.સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેરાપંથી સભા ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો આગામી ૫ માર્ચથી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM