K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

ભુજમાં મહિલાને ડીજીટલ અરેસ્ટ કરવાના  બનાવમાં સુરતથી પિતા-પુત્ર પકડાયા 

18 January



ડીજીટલ અરેસ્ટમાં મંગાયેલી રકમ આ બંનેના ખાતામાં જમા થઈ હતી : મુખ્ય આરોપી સુરતના બે શખ્સોએ પ હજારના કમિશન પેટે બેંક ખાતુ ભાડા પર લીધુ હોવાનું ખુલ્યું 



ભુજ : પાંચ દિવસ અગાઉ ભુજમાં રહેતા મહિલાએ તેઓને ડીજીટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવી લીધા હોવાની હકીકતો સાથે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવતાં પોલીસે મામલાને ગંભીર ગણી તપાસ હાથ ધરતાં જેના ખાતામાં રૂપિયા જમા થયા હતા, તે પિતા - પુત્રને ઝડપી લીધા છે. 
ગત ૧૩મી જાન્યુઆરીના ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ભાવેશ્વરનગરમાં રહેતા રીમાબેન વિકાસભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે તેમને ગત ૩૦ તારીખના રોજ કુરિયર એજન્ટ તરીકે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પાર્સલ આવ્યો હોવાનું જણાવી તેમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓ મંગાવી હોવાનો દમ માર્યો હતો. આ પાર્સલમાં પાંચ નકલી પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્સ, પાંચ હજાર અમેરિકન ડોલર હોવાનું કહી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહેતા ફરિયાદીનો કોલ ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર સાથે ટ્રાન્સફર થયો હતો. એ દરમિયાન અજાણ્યા બે નંબર પરથી ફરિયાદીને વીડિયો કોલ આવ્યો જેમાં ક્રાઈમ બ્રાન્ચના ઓફિસરની ખોટી ઓળખ અપાઈ હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈ આધારકાર્ડ નંબર મેળવી આધારકાર્ડ પર અલગ અલગ રાજ્યની અલગ અલગ બેંકોમાં ર૧ કરોડ હોવાનું જણાવી ફરિયાદી સાથે સતત વીડિયો કોલ ચાલુ રાખી ફરિયાદીને ડીજીટલ અરેસ્ટ કર્યા હતા. બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમજ બધી મિલકતોનું વેરીફાઈ કરી અને એનઓસી આપવાની લાલચ આપી હતી. બાદમાં યુપીઆઈથી ૯પ હજાર અને આરટીજીએસથી ૩.પ૦ લાખ મળી કુલ ૪.૪૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બે શખ્સો પકડાયા છે. ભુજ બી ડિવિઝનના પીઆઈ જે.કે. મોરીએ માહિતી આપતા જણાવ્યું કે, જે બેંક ખાતામાં યુપીઆઈ અને આરટીજીએસથી નાણાં ટ્રાન્સફર થયા, તેની વિગતો મેળવી ટ્રેસ કરી સુરતથી પિતા - પુત્રને ઝડપી લેવાયા છે. સુરતના મીઠીખાડીના કાંતિનગરમાં રહેતા પ૬ વર્ષિય જાફર અબ્બાસ સૈયદને પકડી તપાસ કરતાં એક લાખ રૂપિયા તેના દિકરા અલ્તાફ જાફર સૈયદના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જે એટીએમથી ઉપાડ્યા હતા. બાકીના અઢી લાખ અલ્તાફ અને સાઉદ બંને જણાએ ભેગા મળી જાફરના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ચેક દ્વારા ઉપાડ્યા હતા. ૩.પ૦ લાખ રૂપિયા ટાઈગર નામના વ્યક્તિને અપાયા હતા. અને જે ૯પ હજાર યુપીઆઈથી ટ્રાન્સફર થયા તે રાજસ્થાનના અલવર ખાતે સરદારખાન ટ્રાન્સપોર્ટ નામના ખાતામાં જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલા પિતા- પુત્રને પ હજાર રૂપિયા આપી તેમનું બેંક ખાતુ ભાડા પર લેવાયું હતું, જેમાં આ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. અગાઉ કેટલી વખત કમિશન પર બેંક ખાતું ભાડે અપાયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ તબક્કે આ ગુનામાં સાઉદ અને ટાઈગર નામના શખ્સની સંડોવણી સામે આવી છે. આ બંને પણ સુરતના રહેવાસી છે, જેને ઝડપી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. કોઈ પણ અજાણ્યા નંબર  પરથી ફોન આવે કે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી વીડિયો કોલ પર ધાક ધમકી કરે તો તે ડીજીટલ અરેસ્ટ હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલરૂમ નંબર ૧૦૦ પર જાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

Comments

COMMENT / REPLY FROM