K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ધોરડોના સફેદ રણમાં કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ : આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

13 January



રાજય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે પતંગોત્સવનું આયોજન : કચ્છ કલેકટર અમિત અરોરા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ : દેશ - વિદેશના પતંગબાજોએ અવનવી ડીઝાઈનની પતંગ સાથે જમાવ્યું આકર્ષણ 

ભુજ : દેશ-વિદેશમાં કચ્છને અપાર લોકપ્રિયતા અપાવનાર ધોરડોનું સફેદ રણ આજે ઉત્તરાયણના આગલા દિવસે રંગબેરંગી પતંગોથી શોભી ઉઠયું હતું. આજે ધોરડોમાં રાજય સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા પતંગોત્સવ ર૦રપનું આયોજન કરાયું છે. દેશ - વિદેશના પતંગબાજોએ આજે ધોરડોના સફેદ રણમાં રંગબેરંગી અને અવનવી ડીઝાઈનની પતંગો ઉડાળી રંગત જમાવી હતી. 
કચ્છ પ્રવાસનને વૈશ્વિક ખ્યાતિ અપાવવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા અલગ અલગ ઉત્સવો અને અવસરો ઊભા કર્યા હતા, તેમાના બે સૌથી વધારે લોકપ્રિય એવા કચ્છનો રણોત્સવ અને હાલમાં ચાલી રહેલો પતંગોત્સવ છે. ઉતરાણ સમયે ગુજરાતમાં પતંગો ચગે છે તે તહેવારની પરંપરાને જ પર્યટકોને આકર્ષવાનું સાધન બનાવી પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનું ઉદ્‌ઘાટન થયું છે ત્યારે આજથી કચ્છના ધોરડોમાં પણ પતંગોત્સવ શરૂ થયો છે. ધોરડોમાં સરસ મજાનું વાતાવરણ ઊભું થયું છે જેમાં નીચે સફેદ રણ અને ઉપર પતંગોના રંગોથી આકાશ રંગાયેલું છે. કચ્છ કલેકટર અમિત અરોરા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતનાઓએ દેશ -  વિદેશના પતંગ બાજોને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો. ઉપસ્થીત મહાનુભાવોએ કચ્છવાસીઓને ઉત્તરાયણના પર્વની આગોતરી શુભકામના પાઠવી હતી. આજે પવન માફકસર હોવાથી દેશ વિદેશના પતંગબાજોને પોતાના કરતબો દેખાડવાની મોજ પડી ગઈ હતી. તો સફેદ રણને માણવા આવેલા પ્રવાસીઓ પણ અવનવી પતંગોનો નજારો નિહાળી અભીભૂત થયા હતા. યુનેસ્કોએ જાહેર કરેલા બેસ્ટ ટુરીઝમ વિલેજ ધોરડો ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેલારૂસ, ભુતાન, કોલંબીયા, ડેનમાર્ક, હંગરી, ઈન્ડોનેશીયા, માલ્ટા, સ્લોવેનીયા, ટયુનીશીયા, તુર્કી સહિતના દેશ પતંગબાજો પોતાના કરતબ દેખાડવા આવી પહોંચ્યા છે. આ ઉપરાંત ભારતના મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, સિક્કીમમાંથી પણ પતંગબાજો અવનવી ડીઝાઈનની પતંગો સાથે ધોરડોના સફેદ રણમાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ અને કચ્છના વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ધોરડોના સરપંચ મિંયાહુસેન મુતવા, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિ, ભુજ પ્રાંત અનિલ જાદવ સહિત વિવિધ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વીક એન્ડ બાદ મંગળવારે ઉત્તરાયણની જાહેર રજા હોવાથી મીની વેકેશનનો લાભ લેવા કચ્છના સફેદ રણ સહિત પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા છે. 

Comments

COMMENT / REPLY FROM