K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

આજે ભુજમાં એલએલડીસીના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

23 November


ભુજ : એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ, અજરખપુર - ભુજ દ્વારા અવારનવાર કચ્છની કલાપ્રિય જનતા માટે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આવો જ એક અદ્દભૂત લોક સંગીતનો કાર્યક્રમ એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ અને વિશ્વગ્રામ તથા ભારતીય સંગીત વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે “મણિપુરનો સાદઃ પૂર્વ અને પશ્ચિમનું મિલન” રાખવામાં આવેલ છે, જેમાં પૂર્વ અને પશ્ચિમના સમન્વય સમું લોકસંગીત મણિપુર અને કચ્છના પ્રસિદ્ધ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે અને જે થકી મણિપુર અને કચ્છનું સાંસ્કૃતિક આદાનપ્રદાન એક મંચ પર જોવાનો અદ્દભૂત લ્હાવો કચ્છની સંગીત પ્રેમી જનતાને ઘર આંગણે એટલે કે ભુજ ટાઉન હૉલ ખાતે મળશે.આ સંગીતમય સૂરીલા કાર્યક્રમમાં મણિપુરની પ્રખ્યાત લોકગાયિકા, કલાકાર, સંશોધક અને શિક્ષિકા એવા માંગકા માયાંગલાંબામ, ગાંધીગાયિકા અને બોલિવૂડના પાર્શ્વ ગાયિકા મેઘા ડાલ્ટન તેમજ કચ્છ - ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક અનિરુદ્ધ આહિર પોતાની અવનવી પ્રસ્તુતિઓ દ્વારા કલાના કામણ પાથરશે. સુપ્રસિદ્ધ લોક ગાયિકા માંગકા ભારતીય મણિપુરી લોક ગાયન સાથે શાસ્ત્રીય અને સમકાલીન રચનાઓની રજૂઆત પોતાના આગવા અંદાજ સાથે કરશે. મણિપુરમાં મૈતેઈ લોક સંગીતની ઉચ્ચ પરંપરાને ગરિમા બક્ષી, તેને સાચવી, લોકોપયોગી બનાવવામાં કુ. માંગકાનો ખૂબ મોટો ફાળો છે. રાવણહથ્થા જેવું મણિપુરના લોક સંગીતનું વાદ્ય ‘પેના’ વગાડતા વગાડતા લુપ્ત પામી રહેલી વાર્તા કહેવાની કલા ‘મોઈરાંગ સાઈ’ની લાજવાબ રજૂઆત કરે છે, જે પ્રાચીન મણિપુરના એક પ્રાંત ખાંબા થોઇબીનીની પ્રેમ કથાઓના મહાકાવ્યો - કથાઓની રજૂઆત કરવાની લુપ્ત થઈ રહેલી કલાને પુનર્જીવિત કરવાનું અને ફરી અત્યારની પેઢી સમક્ષ ઉદ્દઘાટીત કરવાનું અદ્દભૂત કાર્ય છે સાથોસાથ મણિપુરના યંગ જનરેશનને આ લોક પરંપરા શીખવી રહ્યા છે. તેમની સાથે આવતા મેઘા ડાલ્ટન પણ એક ખૂબ સારા પ્રતિભાવાન ગાયક કલાકાર છે. રિયાલિટી શો, કોક સ્ટુડિયોથી લઈ બૉલીવુડના મશહૂર ગીતો ગાનાર આ ગાયિકાને પણ સાંભળવાનો મોકો મળશે સાથોસાથ ગુજરાત કચ્છમાં પોતાના આગવા અંદાજ અને મોજથી લોકગીતો, ગુજરાતી રાસ, ભક્તિરસ ગીતો અને મા આદ્ય શક્તિની આરાધના ઉપાસનામાં સૌને રસમગ્ન કરનારા લોક ગાયક અનિરુદ્ધ આહીરના ત્રિવેણી સંગમમાં સંગીત રસથી સ્નાન કરવા કચ્છના સંગીત રસિકોને આમંત્રણ પાઠવાયું છે.તાજેતરમાં જ્યારે સમગ્ર મણિપુરમાં અરાજકતા અને હિંસા ફેલાઈ છે, ત્યારે ત્યાંની માટીની ખુશ્બુમાં રહેલ પ્રેમનો સંદેશ આપવા આવેલ માંગકા સહિતના તમામ કલાકારોને આવકારીએ અને પ્રોત્સાહિત કરીએ. આ કાર્યક્રમ આજે તા. ૨૪ નવેમ્બરના રાત્રે ૮.૩૦ વાગ્યે ટાઉન હૉલ - ભુજ ખાતે યોજવામાં આવેલ છે. આ નિઃશુલ્ક સંગીત સંધ્યામાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળી શકશે.
----------

Comments

COMMENT / REPLY FROM