K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા

22 June


ડ્રગ્સ માફિયાઓએ દરિયામાં અંદાજે ૧૮૦૦ કિલો ડ્રગ્સ ફેંકી દિધું હોવાનું અનુમાન : એક કિલોના એક એવા ૧૦ પેકેટનો બનાવાય છે કોથળો : કોટેશ્વરથી પિંગલેશ્વર સુધીનો દરિયો નીચાણમાં અને પાણીનું વહેણ આ તરફ હોવાથી મળી રહ્યો છે માદક પદાર્થનો જથ્થો : અત્યાર સુધી ચરસ, હેરોઈન સહિતના ડ્રગ્સના ૩૩૦ પેકેટ મળી આવ્યા 



દરરોજ પેકેટ મળતા હોવા છતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ હજુ પણ સતર્કતા ન દાખવી : ભૂતકાળમાં એસપી સૌરભ તોલંબિયાએ તમામ એજન્સીઓની સાથે રાખી બે દિવસની મેગા ડ્રાઈવ યોજી ૧પ૦૦થી વધુ પેકેટ શોધ્યા હતા : રોજે રોજના ચરસના પેકેટ મળી આવવાનો સીલસીલો હવે ફોટો સેશન પુરતો રહી ગયો છે સીમીત 


ભુજ : કચ્છમાં બિનવારસુ ચરસ સહિતના માદક દ્રવ્યના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે છેલ્લા ૧૪ દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે ત્યારે આજે શનિવારે સિંધોડીના દરિયા કિનારેથી ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા છે. જખૌ મરીન સેકટર લીડર ડીવાયએસપી આર.એમ.ચોધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી. ડી.મારું તેમજ ટીમ ઇન્ચાર્જ કે.સી.પટેલ,હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રોજાસરા, લાખાભાઇ ડાભી મરીન કમાન્ડોના ભાવેશભાઈ જોટવા,શૈલેષભાઈ ચૌહાણ, જયપાલસિંહ જાડેજા તથા ચમનભાઈ ધરજીયા તથા મહેશભાઈ  ચૌહાણ,સ્ટેટ આઈબીના બી.બી.સંગાર સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારના પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સીંધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં બિનવારસી હાલતમાં શંકાસ્પદ કોથળો દરિયાના પાણીમાં તણાઈ આવેલો મળી આવ્યો હતો.જેને ખોલીને ચેક કરતા તેમાંથી કેફી પદાર્થના ૧૦ પેકેટ ચરસના મળી આવ્યા છે જેની જખૌ પોલીસને જાણ કરીને આ પેકેટ જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને સર્ચ વેગવાન બનાવાયું છે.મહત્વનું છે કે,ગઈકાલે શુક્રવારે જખૌ મરીન પોલીસને ખિદરતપીર ટાપુમાંથી ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા હતા જ્યારે માંડવી મરીન પોલીસને મોઢવા દરિયા કિનારેથી ૯ પેકેટ મળી આવ્યા હતા.અત્યાર સુધી કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રગ્સના ૩૩૦ પેકેટ મળી આવ્યા છે જેની આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે કિંમત અંદાજે ૨૮૬ કરોડ થવા જાય છે. બીએસએફ દ્વારા જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન બે અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સના ૨૭ પેકેટ શોધી લેવાયા હતા. તેમાંથી ૧૭ પેકેટમાં પીળી ગોળીઓના ૩ નાના પેકેટ છે, જે સિન્થેટિક ડ્રગ્સ/ મોર્ફિન હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. બીએસએફ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખૌ કિનારેથી ડ્રગ્સના ૧૨૯ પેકેટ શોધી લેવાયા છે. ગુજરાત બીએસએફના જણાવ્યા પ્રમાણે અબડાસા, લખપતના નિર્જન ટાપુઓ, ક્રિક વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ વધારવામાં આવ્યું છે, જેમાં બિનવારસુ પેકેટ મળી રહ્યા છે. દરમિયાન અતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સના પેકેટ મળી આવવા પાછળ અફઘાનિસ્તાન અને ઈરાનનું કનેકશન સામે આવ્યું છે. અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ ઈરાન મોકલવામાં આવ્યું હતું, જો કે, દરિયાઈ માર્ગમાં એજન્સીઓના પેટ્રોલિંગના કારણે પકડાઈ જવાની બિકે ડ્રગ્સના કોથળા દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા. સમુદ્ર દેવનો એક સિદ્ધાંત છે કે, તે પોતાનામાં કોઈ વસ્તુ સમાવતા નથી. ગમે તેટલી કિંમતી વસ્તુ હોય તે કિનારા પર ફેંકી જ દે છે. જેથી દરિયામાં ફેંકાયેલા ચરસના કોથળા તણાઈને કિનારા પર આવતા મળી રહ્યા છે. સુત્રોના મતે દરિયામાં ૧૮૦૦ કિલો જેટલું ડ્રગ્સ ફેંકી દેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જે પેકેટ તણાઈને કિનારા પર પહોંચી રહ્યા છે. કચ્છમાં બિનવારસુ ચરસ મળી આવવાનો સીલસીલો કોરોના કાળમાં શરૂ થયો હતો, તે સમયે પશ્ચિમ કચ્છના એસપી સૌરભ તોલંબિયાએ શનિ- રવિના દિવસોમાં દરિયા કિનારે તમામ એજન્સીઓને સાથે રાખી પોતે સ્થળ પર જઈ મેગા ડ્રાઈવ યોજી હતી. જેમાં ૧પ૦૦થી વધુ  પેકેટ શોધી લેવામાં સફળતા મળી હતી. હાલમાં છેલ્લા ૧૪ દિવસથી છુટાછવાયા પેકેટ મળી રહ્યા છે. દરિયાની ભરતી સાથે આ પેકેટ તણાઈને કિનારા પર આવે છે. જે રીતે અલગ અલગ એજન્સીઓ રોજ પેકેટ શોધીને જસ ખાટવાનો પ્રયાસ કરે છે, તેની કરતાં મેગા ડ્રાઈવ યોજીને મૂળ સુધી પહોંચવું જોઈએ. રોજેરોજના આ ઘટનાક્રમથી હવે તો કચ્છવાસીઓ પણ ટેવાઈ ગયા છે. જેમ પોલીસ દેશી દારૂના કેસ કરે તેમ પેકેટના કેસ કરવામાં આવી રહ્યા છે. એક સમય એવો હતો જયારે ચરસ કે ગાંજો પકડાય તો શહેરમાં હો હા થઈ જતો, પરંતુ હવે કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી રહ્યું છે તેમ છતાં લોકો તો ઠીક ખુદ સુરક્ષા એજન્સીઓ જ આ ઘટનાક્રમને સામાન્ય ગણી રહી છે જે પણ એક વાસ્તવિકતા છે. 

Comments

COMMENT / REPLY FROM