ઘર પાસે વાહનો રાખવા મુદ્દે કુંદરોડીના વૃદ્ધની હત્યા પત્રી ગામની સીમમાં ગઈકાલે બપોરે બન્યો બનાવ : લોખંડના પાઈપ વડે હુમલો કરાતા ગંભીર ઈજાઓથી સારવાર દરમ્યાન થયું મોત મુંદરા - કચ્છઉદય : પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો - વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. એલસીબીએ આ પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરાયા ગામમાંથી બે વખત માતબર રકમનો દારૂ પકડયો, આ ઉપરાંત એસએમસીએ ઓઈલ ચોરીનું કૌભાંડ પકડયું હતું. આ વચ્ચે હવે કુંદરોડી ગામમાં રહેતા વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે કુંદરોડી પત્રી રોડ પર ખારાવાડી આંટી પાસે પત્રી સીમમાં ગઈકાલે બપોરે પોણા પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હતભાગી ૭૩ વર્ષિય અબ્દુલ્લા હુસેન પઠાણ પત્રી સીમમાં હતા ત્યારે આરોપીઓ કુંદરોડી ગામના ઈમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા એક્ટિવા પર આવ્યા અને કુંદરોડી ગામમાં ઘર પાસે વાહન રાખવા બાબતે હતભાગીએ અગાઉ આરોપીઓને ઠપકો આપ્યો હોઈ તે બાબતનું મનદુઃખ રાખીને લોખંડના પાઈપ વડે હુમલો કરતા કાન, આંખ, હાથ પગ સહિતના ભાગે ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે અકબરખાન પઠાણે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવથી ચકચાર ફેલાઈ હતી. પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે.